- રાણી સાહેબ કાદમ્બરી દેવી દ્વારા અદભુત કાર્યક્રમનું આયોજન
- ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાકમાં તલવાર બાજીના કરતબ જોવા મળી
- મોટી સંખ્યામા ક્ષત્રિય સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા
રાજકોટમાં નવલી નવરાત્રી શરૂ થઈ ચૂકી છે. જ્યારે માતાજીની આરાધનામાં સૌકોઈ જોડાઈ રહ્યા છે ત્યારે રાજકોટના રાજવી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો દ્વારા અદભુત શૌર્યનું પ્રદર્શન કરતા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો છે. રાજકોટના મહારાણી કાદંબરી દેવીના અધ્યક્ષ સ્થાને ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે આ રાસ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં 16 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના બહેનો હાથમાં તલવાર સાથે માતાજીની આરાધના કરતા જોવા મળ્યા છે.
ક્ષત્રિય સમાજની બહેનોએ ખાસ તલવાર રાસ રજૂ કર્યો છે. જેમાં રણજીત વિલાસ પેલેસ ખાતે ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીમાં તલવાર સાથે નારી શક્તિના દર્શન કરાવ્યા છે. એટલું જ નહીં દર વર્ષે રણજીત વિલાસ પેલેસ ખાતે રાણીસાહેબ કાદમ્બરી દેવી દ્વારા અદભુત આયોજન કરવામાં આવ્યું છે.
માતાજીના ગરબા અને વિવિધ શૌર્ય ગીતો સાથે બહેનોનો આ અદભુત તલવાર રાસ નિહાળવો એ મોટો લહાવો ગણવામાં આવે છે. ક્ષત્રિય સમાજની દીકરીઓ દોઢ થી બે મહિના સુધી આ તલવાર રાસ માટે ખૂબ પ્રેક્ટિસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે છેલ્લા 15 વર્ષથી ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા આ રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. જેના માટે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપસ્થિત પણ રહ્યા હોય છે.
ખાસ નોંધનીય બાબત એ છેકે રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રીમાં તલવાર રાસ રમાય છે. જેમાં બીજા અને ત્રીજા નોરતા દરમિયાન બે દિવસ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. એકસાથે 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનો તલવાર રાસ રમી રહી છે. જેમાં તેઓ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઈ પ્રથમ વખત તલવાર રાસ રમી ઉપસ્થિત સૌ કોઈને ઘોડેસવાર વીરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટિપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો.