- ગરીબોને મળી શકે છે રાહત
- દિવાળીએ મળી શકે છે તેલનો જથ્થો
- પુરવઠા વિભાગે નાણાં વિભાગ પાસે માગી મંજૂરી
આ દિવાળી BPL કાર્ડધારકો માટે કંઈક વધુ રાહતવાળી બની શકે છે. સરકાર દ્વારા ટૂંકસમયમાં એક નિર્ણય લઈ કાર્ડધારકોને તેલનો વધુ જથ્થો આપવાની જાહેરાત થઈ શકે છે.
મહત્વનું છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને ઉપરાંત ગણતરીના દિવસોમાં દિવાળીનો તહેવાર પણ આવવામાં છે. ત્યારે તહેવારોની આ સીઝન રાજ્યના BPL કાર્ડધારકો માટે રાહતની સીઝન બની રહે તેવી પૂરી સંભાવના છે. હકીકતે સરકાર બીપીએલ કાર્ડધારકોને મોટી રાહત થાય એવી જાહેરાત કરી શકે છે. એક માહિતી અનુસાર દિવાળીના દિવસોમાં આ કાર્ડધારકોને તેલનો વધુ જથ્થો આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી શકે છે. જેને લઈને સરકારના વિભાગો દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
હકીકતે આ મામલાને લઈને સરકારના વિભાગોએ તજવીજ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે મંજૂરી માટે પુરવઠા વિભાગ દ્વારા વધારાના ખર્ચ માટે લેખિતમાં સરકારના નાણાં વિભાગ પાસે મંજૂરી માગવામાં આવી છે. જેના અન્વયે નાણાં વિભાગ દ્વારા આ મામલે મંજૂરી અપાયા બાદ બીપીએલ કાર્ડધારકોને દિવાળીમાં તેલનો વધારાનો જથ્થો આપવાની જાહેરાત કરવામાં આવી શકે છે. આનાથી ચોક્કસપણે ગરીબોને મોટી રાહત મળી શકે તેમ છે.
હાલના દિવસોમાં ખાદ્યતેલોના ભાવમાં જરૂરથી ઘટાડો નોંધાયો છે, પરંતુ આ ઘટાડો એટલો મોટો પણ નથી કે એક ગરીબને તે પરવડી શકે. તેથી સરકાર દ્વારા રાજ્યના બીપીએલ કાર્ડધારકોને આ દિવાળીએ તેલનો વધુ જથ્થો આપવા અંગેની હાલ વિચારણા ચાલી રહી છે. જેના માટે પુરવઠા વિભાગે મંજૂરી માગી છે, આ મંજૂરી મળ્યા બાદ ટૂંક જ સમયમાં સરકાર દ્વારા આ મામલે જાહેરાત કરીને તેનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે તેવી સંભાવનાઓ છે.
રાજ્યમાં અવારનવાર તહેવારોના દિવસોમાં આમ તો ગરીબોને લઈને કંઈકને કંઈક જાહેરાતો કરવામાં આવતી હોય છે. જેનાથી ગરીબોને મોટી રાહત મળતી હોય છે ત્યારે આ વખતે બીપીએલ કાર્ડધારકોને સરકાર તરફથી તેલનો વધુ જથ્થો પૂરો પાડવા અંગે હાલમાં વિચારણા ચાલી રહી છે જેના પર ટૂંક સમયમાં નિર્ણય આવવો સંભવ છે.