- સુરતમાં વધુ એક ક્રાઈમની ઘટના
- સરાજાહેર કરવામાં આવી યુવકની હત્યા
- રાત્રિના સમયે લારી પર યુવાનને રહેંસી નાખવામાં આવ્યો
ગુજરાતમાં સુરત હાલ જાણે કે રાજ્યનું નવું ક્રાઈમ કેપિટલ બનીને ઉભરી આવ્યું હોય તેવી ઘટનાઓ ખુલ્લેઆમ થવા માંડી છે. સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો જાણે કે ડર જ ન રહ્યો હોય તેમ નાસ્તાની લારી પર એક યુવકની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી.
વિગતો પ્રમાણે આ બનાવ સુરતના ક્રાંતિનગર વિસ્તાર ખાતે બન્યો હોવાની જાણકારી સામે આવી છે. આ મામલે વધુ માહિતી પ્રમાણે રાત્રિના સમયે નાસ્તાની લારી પર એક યુવક અને અન્ય શખ્સો વચ્ચે બબાલ થઈ ગઈ હતી. જેણે પાછળથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ દરમિયાન મૃતક યુવાન રહીમ ખલીલ શેખ પર 3થી 4 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો જાનલેવા હતો કે યુવકને છેલ્લે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
હાલ આ મામલે લિંબાયત પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ઘટનાની નોંધ લઈ કાયદેસરની તપાસ હાથ ધરી હતી. હાલ સૂત્રોએ જણાવ્યા અનુસાર અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. જેમાં નાસ્તાની લારી પર રહીમ ખલીલ શેખ નામના યુવાન સાથે પહેલા બબાલ કરી તેને જાહેરમાં રહેંસી નાખવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાત્રિના સમયે આ હત્યા કરવામાં આવી હતી. તેમ છતાં આ હત્યાથી સુરત પોલીસની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. સુરત શહેરમાં પોલીસ પેટ્રોલિંગની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જેવી રીતે કોઈ પણ ડર વિના આ ગુનાને અંજામ આપવામાં આવ્યો છે તે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ અંગે ચિંતા ઉપજાવે છે.
હાલના અમુક દિવસોમાં જેવી રીતે સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે તેનાથી શહેરની છબીને નુકસાન થયું હોવાની સંભાવના છે, જેથી સુરત પોલીસ દ્વારા આ મામલે નોંધ લઈ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે એવી લોકલાગણી છે.