- રખડતા ઢોર અંગે નવી જોગવાઈ
- રાજકોટમાં મનપાએ દંડ વધાર્યો
- મનપાએ રખડતા ઢોરોને નાથવા અપનાવી નવી રણનીતિ
રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ સતત જોવા મળી રહ્યો છે ત્યારે હવે તમામ શહેરોમાં નવી નવી રણનીતિ બનાવવામાં આવી રહી છે. આ વચ્ચે રાજકોટ મનપા દ્વારા રખડતા ઢોરના માલિકો પર મસમોટો દંડ વસૂલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં જો હવે રખડતા ઢોર પકડાય તો 3 ગણો દંડ વસૂલવામાં આવશે.
રાજકોટમાં રખડતા પશુઓએ અગાઉ અનેકવાર કેટલાય લોકોને અડફેટે લીધા હતા. જે બાદમાં હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય મુજબ હવે રાજકોટમાં રખડતા પશુઓ પકડાશે તો 3 ગણો દંડ થશે. નોંધનીય છે કે, પ્રથમ વખત પશુ પકડાશે તો રૂ.3 હજારના દંડની જોગવાઈ છે. આ સાથે હવે જો દૂધનું વેચાણ કરી ધંધો કરતા હશે તો લાયસન્સ લેવું પડશે.
આ મામલે રાજકોટ મનપાના નિર્ણયથી માલધારી સમાજના આગેવાનો રોષે ભરાયા છે. તેમણે જણાવ્યું હતું કે રાજકોટ મનપાના સત્તાધીશોને જેમ સપના આવે તેમ નિયમો બનાવવામાં આવે છે. રખડતા ઢોરના દંડ મુદ્દે તેમણે કહ્યું હતું કે તંત્ર દ્વારા માલધારીઓને ઢોરો માટે ગૌચર આપવામાં આવતું નથી, ઉપરાંત ઢોરોના નિભાવ માટે કોઈ વૈકલ્પિક જગ્યાએ પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી. આમ તંત્ર દ્વારા પહેલા સુવિધા આપવામાં આવે પછીથી દંડ વસૂલવાની વાત થવી જોઈએ. માલધારી સમાજે આ મામલે એમ પણ કહ્યું હતું કે દંડની રકમમાં મનફાવે તેવો વધારો સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. જે યોગ્ય નથી.
મહત્વનું છે કે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રખડતાં ઢોરને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રખડતાં ઢોર પકડાય તો માલિક પાસેથી દંડની રકમ ત્રણ ગણી વસૂલ કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત રૂ. 3000 નો દંડ વસૂલાશે જ્યારે બીજી વખત રૂ. 4500 અને ફરીથી ત્રીજી વખત પણ જો ઢોર રખડતાં પકડાશે તો રૂ.6000 નો દંડ લેવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ રખડતાં પશુઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ હવે રાજકોટમાં રખડતાં પશુ પકડાશે તો 3 ગણો દંડ થશે. જો કે આ મામલે માલધારી સમાજે રોષ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.