- સમૂહ જીવનનો વિચાર જેના પાયામાં છે ત્યાં નવા સત્તાધીશોની ભેદભાવભરી નીતિ
- અગાઉ ફી વધારો અને સર્વધર્મ પ્ર્રાર્થના ગાવાને લઈ વિવાદ સર્જાયો હતો
- છાત્રાલયમાંથી કાઢી મૂકવાની ધમકી આપ્યાનો વિદ્યાર્થિનીઓનો આક્ષેપ
જે સંસ્થામાં વિદ્યાર્થીઓ હાથમાં ઝાડું લઈને સફાઈ કરે છે, સમુહ જીવનના વિચાર જેના પાયામાં છે એવી શહેરના આશ્રામ રોડ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠમાં નવરાત્રી મહોત્સવને લઈ નવા સત્તાધીશોની વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના ભેદભાવ ભરી નીતિથી શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયાં છે. વિદ્યાપીઠ પરીસરમાં 50 વર્ષથી ચાલતા નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર સદંતર પ્રતિબંધ લાદતાં ભારે આક્રોશ ફેલાયો છે. એટલુ જ નહી, વિદ્યાર્થિનીઓ ક્યાંક વિરોધ ન કરી શકે એ માટે ગૃહમાતા દ્વારા તેમને છાત્રાલયમાંથી કાઢી મુકવાની ધમકીઓ અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આમ પ્રથમ ફી વધારો એ પછી સર્વધર્મ પ્રાર્થના અટકાવવાના વિવાદ બાદ ગુજરાતની સંસ્કૃતિ સમા ગરબા મહોત્સવના નવા વિવાદથી ચકચારી મચી છે. આ અંગે કુલનાયકે જણાવ્યુ હતુ કે, નવરાત્રીનું આયોજન કમિટી દ્વારા કરાતું હોય છે અને આ મુદ્દે મને કોઈ જાણ નથી. બીજી તરફ વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ છે કે, કુલનાયકે પ્રથમ ગરબાનું આયોજન ન કરવાની સૂચના અપાઈ હતી. રજિસ્ટ્રારે હંમેશાની માફક ચુપકીદી જ સેવી હતી.
વિદ્યાપીઠના કુમાર વિનયમંદીર સ્કૂલના કેમ્પસમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વિદ્યાપીઠના સેવક તેમજ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. એક પદ્ધતિથી થતાં આયોજનમાં નિત્ય સમય એટલે કે, 11 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીઓના ગરબા પૂર્ણ થતા હોય છે અને એ પછી થોડો સમય વિદ્યાર્થીઓના ગરબા ચાલતાં હોય છે. આ દરમિયાન છાત્રાલયમાંથી આવતી વિદ્યાર્થિનીઓની સાથે ગૃહમાતાઓ પણ હાજર હોય છે. પરંતુ આ વખતે વિદ્યાપીઠના નવા શાસકો દ્વારા પ્રથમ તો ગરબાના આયોજન પર જ રોક લગાવવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં મંજુરી આપી હતી. એ પછી અચાનક જ છાત્રાલયમાં ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો. એટલુ જ નહી, વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ હંમેશની માફક મોટાભાગના વિભાગીય અધ્યક્ષોએ પણ આ મુદ્દે મગનુ નામ મરી પાડવાની તસ્દી લીધી ન હોવાનું જાણવા મળ્યું છે. માત્ર એક અધ્યાપિકા દ્વારા જ વિદ્યાર્થિનીઓને સપોર્ટ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થિનીઓને ગરબા ગાવા પર પ્રતિબંધ મુકવાના મામલે કન્યા છાત્રાલયના ગૃહમાતા રીટાબેન પટેલને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે, વિદ્યાર્થિનીઓને એક્ઝામ હોવાથી તેઓ અહીં ગરબા રમે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને જુદા-જુદા ગરબા રમવા પાછળનું કારણ પૂછતાં તેમણે જાણે કોઈ જવાબ જ ન આપવો હોય તેમ કહ્યુ કે, ભઈ મને નથી, ખબર તમે વાઈસ ચાન્સેલરને પૂછો, બાકી રૂબરૂ વાત કરીશું.