- કર્મચારીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર અપાયું
- કર્મચારીઓને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે
- કર્મચારીઓને માસના પગારની સાથોસાથ દિવાળીનું બોનસ પણ ચૂકવી આપવાની માંગ કરાઈ છે
અડધા ઉપરાંતનો ઓક્ટોબર માસ વીતી જવા છતાં હજુ સુધી આણંદ જિલ્લાના વિવિધ પી.એચ.સી.માં ફરજ બજાવતા આઉટસસિંગના કર્મચારીઓનો પગાર ચૂકવવામાં આવ્યો નથી. પગાર ચૂકવણીમાં વિલંબ પાછળ તંત્રના માણસો એવા બહાનાં કાઢે છે કે ઓનલાઈન બિલ જનરેટ કરવાનાં હોવાથી પગારમાં વિલંબ થશે. બહાના બતાવીને ટલ્લે ચઢાવેલો પગાર વહેલીતકે ચૂકવાય તેવી માંગ સાથે આઉટસસિંગના કર્મચારીઓ દ્વારા આજે સામુહિક રીતે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સપ્ટેમ્બર માસ પૂરો થયો અને આજે ઓક્ટોબર માસની 17મી તારીખ થવા છતાં આણંદ જિલ્લાના પી.એચ.સી.ના કર્મચારીઓનો પગાર હજુ ચૂકવાયો નથી. જેથી આ કર્મચારીઓને પોતાના પરિવારનું ભરણપોષણ કરવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે. પગારની નિયમિત ચૂકવણી કરવા માટે આઉટસસિંગના કર્મચારીઓ દ્વારા ભૂતકાળમાં પણ અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. 2019માં આરોગ્ય વિભાગના અધિકારીએ એક પરિપત્ર કરી વર્ગ ચારના કર્મચારીઓના પગાર પછી જ વર્ગ એક અને વર્ગ-2ના અધિકારીઓનો પગાર આકારવા જણાવ્યું છે. આમ છતાં છેલ્લા બે વર્ષથી આ પરિપત્રનો આણંદ જીલ્લા આરોગ્ય તંત્ર (પંચાયત) દ્વારા અમલ કરાતો ન હોવાનો આક્ષેપ કરાયો છે. હવે દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી કર્મચારીઓને સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસના પગારની સાથોસાથ દિવાળીનું બોનસ પણ ચૂકવી આપવાની માંગ કરાઈ છે.