- પરત માંગતા વપરાઈ ગયા હોવાનું કહી 10 વર્ષ વિત્યા બાદ પણ પરત ન કર્યા
- નડિયાદના વેપારીને મિત્રના ઓળખીતાઓ પર ભરોસો કરવો ભારે પડયો
- વેપારીએ આ મામલે ટાઉન પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
નડિયાદના વેપારીને મિત્રના ઓળખીતાઓ પર ભરોસો કરવો ભારે પડયો છે. મિત્રના ઓળખીતા મહેમદાવાદના ઈશમોને ભેંસોના તબેલાની લોન મંજુર થવાની હોઈ પણ બેંકમાં ડિપોઝીટ બતાવવા રુપિયાની જરૂર છે કહી 2013માં ત્રણ મહિનાના વાયદાથી 30 લાખ નડિયાદના વેપારી પાસેથી ઉછીના લીધા હતા. જો કે બાદમાં રુપિયા વપરાઈ ગયાનું કહી આપી દઈશું…ના વાયદા કરી 10 વર્ષ વિત્યા બાદ પણ રુપિયા પરત ન આપી વિશ્વાસઘાત કરતાં આખરે વેપારીએ આ મામલે ટાઉન પોલીસ મથકે ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નડિયાદના પવનચક્કી રોડ યોગીદર્શન ટાઉનશીપમાં રહેતા અને ઈન્કમટેક્ષ કન્સ્લટન્ટની ઓફીસ ધરાવતા નૈષધભાઈ રસીકલાલ શાહને 2013માં તેમના મિત્ર વિપુલભાઈએ જણાવ્યું હતું કે તેમના સંબંધી કણજરીના હંસાબેનના સંબંધી કૌશિક કાંતિભાઈ મેઘા (રહે.મહેમદાવાદ, આસુતોષ સોસાયટી)ને ભેંસોના તબેલા માટે લોનલેવાની હોય, ડિપોઝીટ પેટે રુ.45 લાખની જરૂર છે. કૌશિક, તેમની પત્નિ ભારતી અને નાનો ભાઈ ત્રિભુવન મેઘાની લોન પાસે થયેલ છે. ત્રણેયની 40-40 લાખની લોન પાસની પ્રોસેસ ચાલુ છે. ત્રણ મહિનામાં લોન પાસ થશે. પણ તે પહેલાં ત્રણેયના ખાતામાં 15-15 લાખની ડિપોઝીટ જમા કરાવવાની છે. જેથી નૈષધભાઈએ પોતાની પાસે 45 લાખ નહીં 30 લાખ વ્યવસ્થા કરી આપી હતી. જો કે ઈસમોએ વર્ષો વિત્યા બાદ પણ રુપિયા પરત ન કરતાં આખરે આ મામલે નૈષધભાઈએ કૌશિક મેઘા, તેમની પત્નિ અને નાનાભાઈ વિરુદ્ધ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.