- રોકડ, ચાંદીની મૂર્તિઓ સહિત કુલ રૂ. 1.08 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
- મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસઅર્થે ત્રણેયના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
- પોલીસે પૂછપરછ કરતાં તેઓ આણંદમાં ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાની કબૂલાત કરી
આણંદ શહેરના લોટીયા ભાગોળ પાસેથી ત્રણ રીઢા ઘરફોડીયાઓને એલસીબી પોલીસે ઝડપી પાડીને કુલ 20 જેટલી ઘરફોડ ચોરીઓ પરથી પર્દાફાશ કરી નાખ્યો હતો. પોલીસે રોકડ, ચાંદીની અલગ અલગ મૂર્તિઓ, ચોરી કરવાનાં સાધનો સહિત કુલ રૂ. 1.08 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસઅર્થે ત્રણેયના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આણંદ એલસીબી પોલીસે ત્રણ શંકાસ્પદ શખ્સોને લોટીયા ભાગોળ વિસ્તારમાંથી ઝડપી પાડીને તેમની અંગજડતી કરતાં તેમની પાસેથી રોકડ રકમ, બેગમાંથી ચાંદીની અલગ અલગ મૂર્તિઓ તથા વસ્તુઓ 1.916 કિલોગ્રામ જેટલી મળી આવી હતી. સાથે સાથે કેમેરાનું ચાર્જર, ચોરી કરવાનાં સાધનો પણ મળી આવ્યાં હતાં. એલસીબી પોલીસ મથકે લાવીને નામઠામ પૂછતાં વિનોદ ઉર્ફે વિનુ લાલાભાઈ વેસ્તાભાઈ ભાભોર, પંકેશ ઉર્ફે પકો લાલાભાઈ વેસ્તાભાઈ ભાભોર તેમજ હેમરાજ રાજુભાઈ નિનામા ( તમામ રહે. માતવા, તા. ગરબાડા, જિ. દાહોદ)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેઓની પૂછપરછ કરતાં તેઓ ચાંદીની મૂર્તિઓ વેચવા તેમજ આણંદમાં ચોરી કરવાના ઈરાદે આવ્યા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે તેઓની ઉલટતપાસ કરતાં અત્યાર સુધીમાં ત્રણેય શખ્સોએ ભેગા મળીને વડોદરા, ગોધરા, પાટણ તેમજ રાજસ્થાનમાંથી કુલ 20 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.