- નવશહીદ પીરની દરગાહે ઉર્સ નિમિત્તે ભરાતા મેળામાં ચકડોળ નાંખ્યા હતા
- બે મજૂરો રાતના સમયે વકરાના રૂપિયા 4.50 લાખ લઈ છૂમંતર થઈ ગયા
- દસાડા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ
દસાડાના જૈનાબાદ ગામે તાજેતરમાં ઉર્ષ નીમીત્તે મેળો ભરાયો હતો. જેમાં ઉત્તરપ્રદેશનો યુવાન ચકડોળ નાંખીને ધંધો કરતો હતો. ત્યારે ગત તા. 28મી સપ્ટેમ્બરે રાતના સમયે ચકડોળના જ 2 મજુરો વકરાના રૂપિયા 4.50 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવની દસાડા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
દસાડાના જૈનાબાદ ગામે તા. 27મી અને 28મી સપ્ટેમ્બરના રોજ નવશહીદ પીરની દરગાહ ખાતે ઉર્ષ નીમીત્તે ભવ્ય મેળાનું આયોજન કરાયુ હતુ. આ મેળામાં 2 પૈસા કમાવવા માટે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કટરામાં રહેતો 28 વર્ષીય મહમદ ઈરશાદ બરકતતુલ્લા રાઈને ચકડોળ નાંખ્યા હતા. તા. 28 સપ્ટેમ્બરના રોજ મેળો પુરો થતા તેઓ કમાણીના રૂપિયા 4.50 લાખ એક પેટીમાં રાખીને ખાટલામાં સુતા હતા. વહેલી સવારના 4 કલાકે તેમના ભાણા મહમદશેફ મહમદશરીફ કે જે બોલી શકતો ન હોય ઈશારાથી રૂપિયા ભરેલી પેટી ન હોવાનું કહ્યુ હતુ. આથી આસપાસ તપાસ કરતા ચકડોળના મજુર બિહારના સારણ જિલ્લાના સંતોષ અમીકારામ અને જાવીદ હુસેન મુકતારમીયા નજરે પડયા ન હતા. તેમના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા બંધ આવતા હતા. આથી આજદિન સુધી તપાસ કરતા બંને શખ્સોની કોઈ ભાળ મળી ન આવતા અંતે તા. 16મી ઓકટોબરના રોજ રાત્રે મહમદ ઈરશાદ બરકતતુલ્લા રાઈને દસાડા પોલીસ મથકે બન્ને શખ્સો સામે રૂપીયા 4.50 ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.