- પોલીસ વિભાગની ડ્રાઈવ
- અમદાવાદમાં પોલીસ કરશે સ્પાનું ચેકિંગ
- ગોરખધંધાઓને ડામવા પોલીસ મેદાને
અમદાવાદ પોલીસ દ્વારા નવરાત્રીના દિવસોમાં એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. 18થી 24 ઓક્ટોબર દરમિયાન શહેરના વિવિધ સ્પામાં ચેકિંગ માટે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે.
મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. જેને લઈને લોકોમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ છે. એવામાં ગુજરાત સરકારે પણ હવે રાત્રિના 12 વાગ્યા સુધીની ગરબા રમવાની મર્યાદા હટાવી લેતા ખેલૈયાઓ વધુ ઉત્સાહિત થયા છે. જો કે તહેવારના આ પાવન દિવસોમાં શહેરમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધા વધે નહીં અને તેના પર નિયંત્રણ લાવી આવા દુષ્કૃત્યોને નાથી શકાય તેવા ઉદ્દેશ્યથી અમદાવાદ પોલીસ દ્વારા આ તહેવારના જ દિવસો દરમિયાન ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પાનું અચાનક જ અને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં સ્પાના દૂષણોની અનેક ઘટનાઓ હાલના સમયમાં પ્રકાશમાં આવી છે. પહેલા અમદાવાદના સિંધુભવન રોડ પર એક નાગાલેન્ડની યુવતીને સ્પા સંચાલક દ્વારા ઢસડીને માર મારી તેના કપડા ફાડી નાખવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના પછી વડોદરામાં પોતાને ત્યાં નોકરી કરતી એક યુવતી પર સ્પા સંચાલકે દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું હતું. આ સિવાય અમદાવાદના આનંદનગરમાં હાલો મોર સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાનું સામે આવતા પોલીસે દરોડા પાડ્યા હતા. આવા અનેક કિસ્સાઓ હાલના સમયમાં પ્રકાશમાં આવ્યા છે. ગુજરાતમાં ખૂણે ખૂણે પ્રસરી રહેલા આ સ્પાના દૂષણ સામે લડત આપવા માટે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હુંકાર કર્યો હતો. આથી હવે પોલીસને વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ગોરખધંધા ચાલતા હોવાની માહિતી મળતાં ત્યાં દરોડા પાડવામાં આવે છે.
તહેવારના દિવસોમાં સ્ત્રીઓનું અસામાજિક તત્વો દ્વારા થતું શોષણ અટકે અને મસાજના નામે સ્ત્રીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી જે રીતે અમુક સ્પા સંચાલકો દ્વારા અનૈતિક કાર્યો કરાવી પોતાની કમાણી કરવામાં આવે છે તેને પ્રકાશમાં લાવી આવા તત્વોને સજા મળે તેવા હેતુથી અમદાવાદ પોલીસ દ્વારા આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.