- નવરાત્રીમાં રાસની રમઝટ
- ચોથા દિવસે લોકો ઝૂમ્યા
- સીએમ ભૂપેન્દ્ર પટેલે માતાજીની આરતી ઉતારી
નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં હાલમાં ચોથા નોરતે લોકોએ મન મૂકીને તાલના સથવારે રાસની રમઝટને માણી હતી. સરકાર દ્વારા શેરી ગરબાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં પાર્ટી પ્લોટ, સોસાયટીઓ, શેરીઓમાં નાના નાના આયોજન કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે સુંદર શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને ખેલૈયાઓ ચોથા નોરતે મન મૂકી રાસની રમઝટ બોલાવી હતી.
ગુજરાતમાં નવરાત્રી 2023 નો ઉત્સવ ધામ ધૂમથી ચાલી રહ્યો છે. આજે ચોથું નોરતુ છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડાઓને નવરાત્રીનો તહેવાર લોકો શાંતીથી ઉજવી શકે, અને મા અંબેની ગરબા રમી આરાધના કરી શકે તે માટે કોઈ રોક-ટોક વગર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. આ સિવાય નવરાત્રીથી દિવાળી સુધી પાથરણા કે લારી પર ધંધો કરતા નાના વેપારીઓને પણ પરેશાન નહી કરવા સૂચના આપી છે.
આ નવરાત્રીમાં અમદાવાદ શહેરના ખેલૈયાઓ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે અને મેટ્રો ટ્રેનની સેવાને રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. જેનાથી ખેલૈયાઓને ગરબા રમવા માટે દૂર સુધી જવાની પણ ચિંતા નહીં રહે. આ ઉપરાંત આજે અમદાવાદમાં રાજ્યમાં નોરતાની રમઝટ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદના શાહીબાગ પોલીસ મેસ ખાતે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગૃહ વિભાગ દ્વારા કરાયેલા ગરબાના આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,DGP વિકાસ સહાય સહિતના પદાધિકારીઓ જોડાયા હતા. મહત્વનું છે કે સુરત અને જામનગર મહિલા પોલીસ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું.