- નવરાત્રિની રંગત વચ્ચે અસહ્ય ઉકળાટ અને ગરમીનું પ્રમાણ વધ્યું
- ઠંડી માટે હજુ દિવાળી સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ
- આસોમાં ગરમીનો પ્રકોપ વધતા ઠંડીની શક્યતા ઘટી
નવરાત્રિ મહોત્સવની રંગત બરાબર જામી છે, અને અડધા ઉપરનો ઓક્ટોબર માસ પૂરો થઈ ગયો છે, છતાં હજુ ઠંડીની મોસમ જોઈએ એવી ખીલતી નથી. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હજુ દિવાળી સુધી અથવા દિવાળીના પર્વ બાદ ઠંડી અનુભવવા મળે તેવી શક્યતા વધુ છે. એટલે ઠંડની રાહ જોનારે હજુ દિવાળી સુધી તો પ્રતિક્ષા કરવી પડશે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત ડબલ ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. તેથી ડુન્ગ્યૂ સહિત વાયરલનો વાવર વકર્યો છે. રાત્રિના સમયે પવનની ઝડપ વધે તો સાધારણ ઠંડક અનુભવાય છે. બાકી ગરમીની મોસમ ચાલતી હોય તેવી સ્થિતિ છે. 18 તારીખ સુધી સાધારણ માવઠાની આગાહી અગાઉ હવામાન વિભાગ દ્ધારા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ હવે માવઠું થવાની શક્યતા સાવ નહિવત્ છે.
આણંદ કૃષિ હવામાન વિભાગ તરફથી ભારત મોસમ વિભાગના હવાલાથી એવું જણાવાયું છે કે આગામી ચાર-પાંચ દિવસ આણંદ સહિત ચરોતરમાં આકાશ અંશતઃ સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. તેથી ગરમીની માત્રમાં હજુ પણ અંશતઃ વધારો થશે. લોકો શિયાળાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આસો માસમાં પણ અત્યારે આણંદ ઉપરાંત ચરોતરમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીની આસપાસનો રહ્યો છે. જેના કારણે સવારે 11 વાગ્યાથી તો લોકો અંગદઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
વાતાવરણમાં પલટાથી થોડીવાર માટે આકાશમાં વાદળો છવાયા
આજે બપોરે વાતાવરણમાં સાધારણ પલ્ટો આવ્યો હતો, અને આકાશ અંશતઃ વાદળછાયું બન્યું હતું. જોકે, થોડીવારમાં જ વાદળો વિખરાતા ગરમીનો પ્રકોપ વધ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી આકાશ સ્વચ્છ રહેવાના કારણે સૂર્યનારાયણના કિરણો પ્રખર બન્યા છે. સવારથી લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. શરદપૂનમના આડે માંડ દસ દિવસ રહ્યા છે, શરદોત્સવ અને નવરાત્રિની રાતોમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાતી હોય છે. પણ અત્યારે સ્થિતિ કંઈક જુદી જ છે. ખરીફ સીઝનમાં રોપણી કરેલા પાકોની કાપણી પૂર્ણ કરવી હિતાવહ છે. કાપણી કરેલા પાકને સૂર્યપ્રકાશમાં સૂકવી દાણા છૂટા પાડવા જોઈએ. ચરોતરમાં કાપણી કરાયેલી ડાંગરના દાણાને છૂટા પાડવા માટે થ્રેસરનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેતી પાકને સુરક્ષિત રાખવા માટે હવામાન વિભાગ તરફથી જણાવાયું છે.