- સિઝનમાં સૌથી વધુ વરસાદ નડિયાદમાં 1472 મી.મી અને સૌથી ઓછો ગળતેશ્વરમાં 678 નોંધાયો
- સાવલી તળાવ હાલ 48.50 ટકા જેટલું ખાલી
- જિલ્લામાં આ વર્ષે 8457 મી.મી નોંધાયો જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 73 મી.મી વધુ
ચોમાસાની ઋતુએ સત્તાવાર વિદાય લઇ લીધી છે. ત્યારે જિલ્લામાં આ વર્ષે 8457 મી.મી નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીમાં માત્ર 73 મી.મી વધુ નોંધાયો છે. બીજીબાજુ જિલ્લાના સિંચાઇ તળાવ પૈકી સૌથી મોટુ ગણાતું સાવલી તળાવ હાલ 48.50 ટકા જેટલું ખાલી છે. જેથી શિયાળા પછી પાણીની અછત ઉભી થાય તેવી શકયતા છે. ઠાસરાના મતેવાલ તળાવમાં 60.34 એમસીએફટી ની સામે 32.52 એમસીએફટી સંગ્રહ થયેલ છે. જેને લઇને આ પાણીનો જથ્થો ઉનાળા સુધી ચાલશે તેમ જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું .
ખેડા જિલ્લામાં આ વખતે ચોમાસાની સિઝન સમયસર શરૂ થઇ ગઇ હતી. જૂન માસમાં બીજા પખવાડિયામાં મેઘરાજાનું આગમન થઇ ગયું હતું. અને જુલાઇ માસમાં મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ પણ કર્યું હતું. ઓગસ્ટ માસમાં પણ મેઘરાજા વરસ્યા હતા. જયારે સપ્ટેમ્બર માસમાં છુટા છવાયા વરસાદી ઝાપટાં પડયા હતા. સિઝના પ્રારંભ થી અંત સુધીમાં જિલ્લામાં સરેરાશ 8457 મી.મી વરસાદ નોંધાયો છે. જયારે ગત વર્ષે સિઝનમાં 8384 મી.મી નોંધાયો હતો.આમ માત્ર 73 મી.મી ઓછો નોંધાયો છે.જિલ્લાના સિંચાઇ માટેના પાંચ મોટા તળાવો આવેલા છે. આ તળાવોના પાણી સિંચાઇ માટે હજ્જારો હેકટર જમીનમાં ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.જયારે જિલ્લામાં પડેલા વરસાદ મુજબ જિલ્લા પંચાયતના સિંચાઇ વિભાગના તળાવ પુરેપુરા ભરાયા ન હતા.સિંચાઇ માટે જિલ્લાનું સૌથી મોટુ ગણાતું કપડવંજ તાલુકાના સાવલી ગામમાં આવેલ 999 વીઘાનું તળાવની 172.26 એમસીએફટી પાણી સામે 83.56 એમસીએફટી પાણીનો જથ્થો ભરાયેલ છે. આ પાણીનો જથ્થાને લઇને શિયાળા પછી પાણીની અછત સર્જાશે , ઠાસરા તાલુકાના મતેવાલ તળાવની કેપીસીટી 50.34 એમસીએફટી સામે હાલ 32.52 એમસીએફટી સંગ્રહ થયેલ છે. જેથી આ તળાવનો પાણીનો જથ્થો સિંચાઇ માટે ઉનાળુ સુધી ચાલશે. કપડવંજ તાલુકાના વઘાસ તળાવ 36.19 એમસીએફટી સામે 33.76 એમસીએફટી ભરાયેલ હોવાથી આવતા ચોમાસા સુધી પાણી ચાલશે. ઠાસરાના રાણીપોરડા તળાવની કેપીસીટી 61.31 એમસીએફટી સામે હાલ 60.36 એમસીએફટી ભરાયેલ અને ગળતેશ્વરના વાંઘરોલીના તળાવ ફૂલ 165 એમસીએફટી ભરાયેલ છે. રાણીપોરડા અને વાંઘરોલી તળાવના પાણીનો જથ્થો આવતા ચોમસા સુધી ચાલશે. પાણીની કોઇ અછત સર્જાશે નહીં.
સાવલી સિંચાઇ તળાવમાં 51.50 ટકા પાણીનો સંગ્રહ
આ વર્ષે વરસાદી પાણીથી સાવલી સિંચાઇ તળાવમાં 51.50 ટકા પાણીનો સંગ્રહ થયો છે. અને 48.50 ટકા ખાલી છે. આ તળાવમાં પાણીનો સંગ્રહ શિયાળા સુધી ચાલશે. ત્યારબાદ પાણીની અછત સર્જાશે તો તળાવના પાણીથી સિંચાઇ કરતાં ખેડૂતોને મુશ્કેલી થાય તેમ છે. આ તળાવના પાણીનો 10 ઉપરાંત ગામોના ખેડૂતોની 6 હજાર હેકટરને લાભ મળે છે.