- 30 કિ.મી. પરના માર્ગ પર ઠેરઠેર ખાડા : ભંગાર અને ધૂળિયા રસ્તાથી પ્રજા પરેશાન
- માર્ગની દુરસ્તી માટે કોઈ પગલાં ન ભરાતા ગ્રામજનોની આંદોલન કરવા વિચારણા
- રસ્તાને પાકો બનાવવા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
આણંદ જિલ્લાના ભાલેજ તાડપુર ચોકડીથી લાડવેલ સીતાપુર સુધીના માર્ગના સમારકામમાં આરએન્ડબી દ્ધારા કોઈ કામગીરી ન કરતા માર્ગ પર એકથી ત્રણ ફૂટ જેટલા ખાડા પડયા છે. આસપાસના ગ્રામજનોના જણાવ્યા મુજબ ત્રણ વર્ષમાં જ આ રસ્તો તૂટી ગયો છે. ભંગાર અને ધૂળિયો માર્ગ પ્રજાજનો માટે શિરદર્દ સમો બનવા છતાં તંત્ર દ્ધારા આ માર્ગની દુરસ્તી માટે કોઈ પગલાં ન ભરાતા હવે આસપાસના ગ્રામજનો પાકા રસ્તા માટે આંદોલન કરવા વિચારે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ તાડપુર ચોકડથી સીતાપુર ચોકડ સુધીનો લગભગ 30 કિ.મી.ના માર્ગનું તંત્ર દ્ધારા યોગ્ય સમારકામ ન કરાવતા રસ્તો ઉબડખાબડ બન્યો છે. આ માર્ગ પર 12 કિ.મીનુ અંતર કાપતા 45 મિનિટ લાગે છે. કપડવંજ-ડાકોર માર્ગ બંધ હોવાથી મોટા વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. ટુ વ્હીલરના ચાલકો રાત્રિના સમયે આ રસ્તા પર જઈ શકતા નથી. જ્યારે એસ.ટી. બસ સહિતના અન્ય વાહનોમાં મુસાફરી કરતા મુસાફરોને પણ આ રસ્તા પર હેરાનગતિ વેઠવી પડે છે. અલીણાના ઈલ્યાસભાઈ અને ધમાભાઈ બારોટે જણાવ્યું હતું કે, રસ્તાને પાકો બનાવવા માટે સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. રસ્તા તેમજ અન્ય પ્રશ્નોના ઉકેલમાં તંત્ર ઘોર દુર્લક્ષ સેવતું હોવાનો રોષ ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે. આ માર્ગનું યોગ્ય સમારકામ કરવાના બદલે કેટલીક જગ્યાએ મેટલ નાંખીને ખાડા પુરવાનો પ્રયાસ કરાયો છે. પરંતુ ધુળિયા રસ્તા પર મેટલ બહાર આવી જતા વાહનોમાં પંચર પડવાના તેમજ રાહદારીઓને ઠોકર વાગવાના બનાવો વધ્યા છે. આ રસ્તાનું કામ યોગ્ય રીતે ન કરવાથી તંત્ર અને એજન્સીના ભ્રષ્ટાચારની સજા પ્રજાજનો ભોગવી રહ્યા છે. સીતાપુર ચોકડીથી હેરંજ સુધીના માર્ગ પર કારપેટીંગ પણ કરાયું નથી. જો ટૂંક સમયમાં માર્ગની મરામત નહીં થાય તો ત્રસ્ત ગ્રામજનો હવે આંદોલન કરવાનું વિચારે છે.