સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચાલતી ડ્રગ્સની હેરફેર એજન્સીઓની સખત કાર્યવાહીથી બંધ થતાં ડ્રગ્સ માફિયાઓને કરોડોનો ફટકો લાગ્યો છે. આ કાર્યવાહી બાદ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠેથી પોલીસ અને એજન્સીઓને બિનવારસી હાલતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો મળી આવે છે. જેથી ગૃહ વિભાગે દરિયાકાંઠા પર ખાસ વોચ રાખવા એજન્સીઓને સૂચના આપી છે. આ ઉપરાંત ધીમે ધીમે ડ્રગ્સ હેરફેર નું મુખ્ય સ્થાન બની ગયેલા કચ્છમાં તમામ એજન્સીઓને માદક પદાર્થો બાબતે સતર્ક રહેવા સૂચના આપી છે. તે સમયે મુન્દ્રા કસ્ટમના એસઆઇઆઇબી(સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ) ને મળેલી બાતમીના આધારે બે કન્ટેનર જપ્ત કરી તલાસી લેતા 110 કરોડની માદક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો જેનાથી તંત્ર ચોકી ઉઠ્યું છે.
સુત્રો દ્વારા મળેલી માહિતીના આધારે મુન્દ્રા કસ્ટમ વિભાગના એસઆઇઆઇબી ડિપાર્ટમેન્ટ ને એવી માહિતી મળી હતી કે, માદક પદાર્થનો જથ્થો કન્ટેનર મારફત પશ્ચિમ આફ્રિકા સપ્લાય થઈ રહ્યો છે. જેના આધારે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ શરૂ કરી હતી અને આ તપાસ દરમિયાન દવાના બે કન્ટેનરો શંકાસ્પદ જણાયા હતા.જેથી આ બંને કન્ટેનરોને આફ્રિકા મોકલતા અટકાવાયા હતા. જેની તલાસી લેવાતા આગળના ભાગેથી દસ્તાવેજો માં જાહેર કરાયેલી વસ્તુઓ મળી આવી હતી. છતાં પણ શંકા જતા તમામ જથ્થો ઉતારી વિગતવાર તપાસ કરાવતા અઘોષિત માદક દવાની પટ્ટીઓ ભરેલા બોક્સ મળી આવ્યા હતા.
મોટા બોક્સ ની અંદર તપાસ કરાતા અંદર ટ્રેમીકિંગ 225 અને રોયલ 225 લખેલા દવાના લાખો બોક્સ જોવા મળ્યા હતા. આ બંને દવામાં ટ્રામડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબલેટ 225 મિલિગ્રામ હોય છે. પરંતુ આ બંને દવાઓની સ્ટ્રીપ કે બોક્સ કોઈમાં પણ ઉત્પાદનની વિગતો દર્શાવવામાં આવી ન હતી. આથી બંને કન્ટેનરોમાંથી 68 લાખ જેટલી ગોળીઓ કે જે માદક ગણવામાં આવે છે તે મળી આવતા જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત દસ્તાવેજના આધારે તપાસ કરાતા આ બંને કન્ટેનરો રાજકોટના વેપારી દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. આ ઉપરાંત તેમાં ગાંધીનગર અને ગાંધીધામના પણ કનેક્શન દર્શાવ્યા હતા આથી કસ્ટમ વિભાગની અન્ય ટીમોને રાજકોટ ગાંધીનગર અને ગાંધીધામ ખાતે દોડાવવામાં આવી હતી.
સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ટ્રામાડોલ એક સાઇકોટ્રોપીક પદાર્થ છે. જેનો નાર્કોટિક્સમાં સમાવેશ થતો હોવાથી 2018માં એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 87 (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું જાણવા મળ્યું છે કે આઈએસઆઈએસના લડવૈયાઓ લાંબા સમય સુધી જાગી શકે તે માટે આ દવાનો ઉપયોગ કરે છે. ખાસ કરી આ દવા આફ્રિકન દેશોમાં ફાઈટર ડ્રગ તરીકે પણ બદનામ થઈ ચૂકી છે. મોટા ભાગે નાઈજીરીયા, ધાના જેવા આફ્રિકન દેશોમાં આ દવાની ઉંચી માંગ છે. જેથી નાણા કમાવા માટે અન્ય દેશોમાંથી આ દવાની આફ્રિકામાં નિકાસ કરવામાં આવે છે. હાલ આ દવા રાજકોટના વેપારી દ્વારા મુન્દ્રાથી આફ્રિકા મોકલવામાં આવનાર હતી. પરંતુ કસ્ટમ વિભાગે બંને જપ્ત કરી લીધા છે. હાલ ટીમો દ્વારા રાજકોટ ખાતે સર્ચની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં નવા ધડાકા ભડાકાના એંધાણી વર્તાઈ રહ્યાં છે.