રખડતા ઢોરો માટે તથા ગેરકાયદે દબાણ સામે અસરકારક પગલા લેવા પોલીસને સૂચના
શહેરોમાં હવે ફૂટપાથો અને જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા સર્જવા માટે સૌથી મોટુ દુષણ ગેરકાયદે દબાણ અને ગેરકાયદે પાર્કિંગ છે. હાઇકોર્ટે આ બાબતે સરકારને અસરકારક પગલા લેવા માટે તાકીદ કરી છે. રખડતાં ઢોરના ત્રાસનો પણ તેમણે ઉલ્લેખ કરી આ અંગે પણ પગલા લેવા તેમણે સૂચના આપી હતી.
આ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર, પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો જોરદાર રીતે ઉધડો લઇ લીધો હતો. જસ્ટિસ એ.વાય.કોગજે અને જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે સરકાર, પોલીસ તંત્ર અને અમ્યુકોને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે હાઇકોર્ટના હુકમોનું પાલન કરવા અમ્યુકો, ટ્રાફિક પોલીસ કે પોલીસ અને સરકારના સત્તાવાળાઓ બંધાયેલા છે. આ તેમની વૈધાનિક જવાબદારી અને ફરજ છે. ફૂટપાથ લોકોના ચાલવા માટે છે પરંતુ તેનો ઉપયોગ ગેરકાયદે પાર્કિંગ અને લારી-ગલ્લા તથા પાથરણાંવાળાઓ માટે થાય છે. જાહેર માર્ગો-ફૂટપાથ પરથી ગેરકાયદે પાર્કિંગ-દબાણો સહિતના મુદ્દે નક્કર પરિણામલક્ષી પગલાં લો હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને બહુ માર્મિક કટાક્ષ કરી ગર્ભિત ચેતવણી આપી હતી.
હાઇકોર્ટે સરકાર અને અમ્યુકો તેમજ ટ્રાફિક પોલીસ ઓથોરીટીને બહુ જ માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે જે પ્રકારે રખડતા ઢોરોની સમસ્યા નિવારવા માટે ખાસ પોલિસી અમલી બનાવાઇ અને તેનું મહદઅંશે નિરાકરણ લાવી શકાયુ છે તેવી વિશેષ પોલિસી ટ્રાફિક-ગેરકાયદે પાર્કિંગ સહિતના મામલે પણ જરૂરી છે. હાઇકોર્ટના અગાઉના નિર્દેશો અમે ધ્યાનમાં લીધા છે. જેનું પાલન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર સહિતના સત્તાવાળાઓ બંધાયેલા છે તેમાં કોઇ બાંધછોડ નહી ચાલે.
હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે અમે છેલ્લા છ-સાત અઠવાડીયાથી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને નીરિક્ષણ કરી રહ્યા છીએ પરંતુ કંઇ અસરકારક પગલાં લેવાયા હોય તેવું દેખાતું નથી. મોટી બિલ્ડીંગોમાં પાર્કિંગની પણ વ્યવસ્થા નથી. આવી જગ્યાઓ શોધો અને ત્યાં પગલાં લો. રીક્ષાવાળાઓ પોલીસની નજર સામે જ વધુ પેસેન્જરો બેસાડે છે. જાહેર રસ્તાઓ-ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ થાય છે તો લારી-ગલ્લાવાળા, પાથરણાવાળા ઉભા રહી જાય છે, રસ્તાઓ અને ફૂટપાથ તેમના માટે નથી, લોકોના ચાલવા માટે અને રાહદારીઓ માટે છે.
દરમ્યાન કેસની સુનાવણી દરમ્યાન એડવોકેટ અમિત પંચાલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઇલકરતા વાંધો લીધો હતો અને જણાવ્યું કે આ કન્ટેમ્પ્ટ પિટિશન છે અને તેમાં જોગવાઇ મુજબ મ્યુનિસિપલ કમિશનરે જ સોગંદનામુ ફાઇલ કરવું પડે. અમ્યુકોએ સોગંદનામુ રજૂ કરી ફરી એકવાર દબાણો હટાવ્યા, દંડ વસુલ્યા, કામગીરી કરી એનું એ જ ગાણું ગાયું હતું. હાઇકોર્ટે સરકારને હુકમોની અમલવારી કરી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા તક આપી વધુ સુનાવણી તા.૨૦મીએ રાખી હતી.