- લાખોના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખી છતાં લીકેજ
- વાળુકડ તળાવ બ્યુટીફિકેશનનું કામ થપ
- રોડ વિભાગના ઠપકો આપવામાં આવ્યો
ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં ટેકરી ચોક ખાતે ભાવનગર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન નવી નાખવા છતાં ડ્રેનેજના પાણી લીકેજ થતા પ્રજાના પૈસાનું આંધણ થયું છે. સ્ટેન્ડિંગ કમિટીમાં શાસકોએ સવાલ કરતાં અધિકારીને જ આ વિસ્તારમાં અન્ય લાઈન નાખવાના ચાલી રહેલા કામ અંગે માહિતી નહીં હોવાનું પોત પ્રકાશ્યું હતું.
29 કાર્યોને બહાલી આપવામાં આવી
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી, બેઠકમાં જુદા જુદા કાર્યોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુલ 29 કાર્યોને બહાલી આપવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ભાવનગરમાં અધૂરા કામોની ચર્ચા કરવામાં આવી હતી.
તળાવ બ્યુટીફિકેશનનું કામ થપ
જેમાં કંસારા પ્રોજેક્ટ 90થી 95 ટકા પૂરો થવા છતાં અંદર ડ્રેનેજના પાણી પસાર થઈ રહ્યા છે તેમજ હાલમાં કોઈ કામ ચાલતું નથી ત્યારે આ કામ ચાલુ કરવા માટે સુચના આપવામાં આવી હતી. વધુમાં સીદસર ખાતે બ્રિજનું કામ પણ બંધ પડ્યું છે તેવી જ રીતે વાળુકડ ખાતે પણ તળાવ બ્યુટીફિકેશનનું કામ થપ થઈને પડ્યું છે.
તંત્રએ કર્યો લુલો બચાવ
જે કામોના લીધે બંધ હોવાનો તંત્રએ બચાવ કર્યો હતો, પરંતુ આ કામ વહેલી તકે ચાલુ કરવા માટે સ્ટેન્ડિંગમાં સુચના આપવામાં આવી હતી. રોડ વિભાગ દ્વારા વિદ્યાનગર થી ભીડભંજન સુધીના વ્હાઈટ ટોપિન્ગ 6 કરોડના ટેન્ડર માં એક કરોડ જીએસટી નો વેરો ઉમેરવાનો ભુલાઈ ગયો હતો, આવી બેદરકારી અવારનવાર થતી હોવાથી રોડ વિભાગના ઠપકો આપવામાં આવ્યો હતો.