- રાજ્યમાં ખરીફ પાકોનું વાવેતર 73.72 લાખ હેક્ટર, ગત વર્ષ કરતાં છ ટકા ઓછું
- વાવેતર વધતા મગફળીનું ઉત્પાદન ગત વર્ષના 25 લાખ ટન કરતા વધી જવાની ધારણા
- મગફળીમાં વાવેતર 16.25 લાખ હેક્ટર સામે 17% વધીને 19 લાખ હેક્ટર થયું છે
કપાસમાં રોગચાળાનું વધતું પ્રમાણ અને ઉતારો ઓછો થઈ જવાથી આ વર્ષે ખરીફ્ સિઝનમાં અનેક ખેડૂતો મગફ્ળીના પાક તરફ્ વળ્યા છે. જેના કારણે ચાલુ ખરીફ્ સિઝનમાં મગફળીનો વાવેતર વિસ્તાર વધ્યો છે. લગભગ ત્રણ વર્ષ બાદ મગફળીમાં વાવેતર 19 લાખ હેક્ટર પર પહોચ્યું છે. છેલ્લે 2021માં 19.26 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. વાવેતર વિસ્તાર વધ્યો છે તે જોતા આ વર્ષે મગફળીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં વધી જવાની ધારણા છે.
ગુજરાત કૃષિ વિભાગના આંકડા મુજબ, 5 ઓગસ્ટ સુધીમાં રાજ્યનું કુલ ખરીફ્ વાવેતર 73.72 લાખ હેક્ટરે પહોંચ્યુ છે જે ગત વર્ષે આ સમયના 78.23 લાખ હેક્ટર કરતા 6% ઓછું છે. કપાસનું વાવેતર ગત વર્ષે 26.76 લાખ હેક્ટર હતું જે આ વર્ષે 13% ઘટીને 23.35 લાખ હેક્ટર પહોંચ્યું છે. મગફળીમાં વાવેતર 16.25 લાખ હેક્ટર સામે 17% વધીને 19 લાખ હેક્ટર થયું છે. અન્ય પાકોમાં સોયાબીનનું વાવેતર 2.65 લાખ હેક્ટર સામે વધીને 2.96 લાખ હેક્ટર પર પહોંચ્યું છે. તુવેરનો વિસ્તાર 1.88 લાખ હેક્ટરથી વધીને 2.05 લાખ હેક્ટર થયો છે. મકાઈનું વાવેતર 2.81 લાખ હેક્ટર સામે નજીવું વધીને 2.84 લાખ હેક્ટર નોંધાયું છે. બીજી તરફ ડાંગર 8.19 લાખ હેક્ટરથી ઘટીને 7.64 લાખ હેક્ટર, બાજરી 1.86 લાખ હેક્ટરથી ઘટીને 1.49 લાખ હેકટરમાં વાવણી થઇ છે. ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સિડ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, આ વર્ષે વાવેતર સારું હોવાથી હાલની સ્થિતિએ મગફ્ળીનું ઉત્પાદન ગત વર્ષના અંદાજે 25 લાખ ટન કરતા વધી જવાની શક્યતા છે.