- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાસણની મુલાકાતે
- સાસણમાં ચિત્ર ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી
- CMને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આજે સિંહ સદન, સાસણ-ગીર ખાતે વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.સિંહના ફોટોગ્રાફ્સ, પ્રેરણાદાયી વીડિયો, ટેક્સ્ટ મેસેજ, માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું આયોજન કરાયુ હતુ.
લોકભાગીદારી થશે
વન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખાસ કરીને એશિયાટીક લાયન લેન્ડ સ્કેપના વિસ્તારના ૧૧ જિલ્લાની આશરે ૧૧,૦૦૦ થી વધુ શાળા/કોલેજોમાં આ કાર્યક્રમો યોજાશે જેમાં અંદાજે ૨૧ લાખથી વધુની લોકભાગીદારી થઈ.
વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કરવામાં આવ્યા
એશિયાટીક લાયન લેન્ડસ્કેપના ૧૧ જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, દેવભૂમી દ્વારકા અને જામનગરની શાળાઓ-ગામોમાં આ ઉજવણી કરવામાં આવશે. આના સુચારૂ આયોજન માટે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓ, તાલુકા શિક્ષણ અધિકારીઓ તથા તેમના તાબાના બી.આર.સી., સી.આર.સી., એસ.વી.એસ., કયુ.ડી.સી., એમ.આઇ.એસ તેમજ એનજીઓના પ્રતિનિધિઓ, તાલુકા અને જિલ્લા કો-ઓર્ડીનેટરની સાસણ ગીર ખાતે ખાસ કાર્યશાળાઓ યોજી કાર્યક્રમ વિશે સમજૂતી અને વિસ્તૃત માહિતી આપી સૌને અવગત કરવામાં આવ્યા છે.
નાટક પણ રજૂ કરવામાં આવ્યુ
એશિયાઇ સિંહ ગુજરાતનું ગૌરવ હોવાથી સિંહ પ્રત્યેના ભાવ સાથે ભૂજ, વ્યારા, નવસારી, ભરૂચ, અમદાવાદ, વડોદરા અને કચ્છ જિલ્લાની એન.જી.ઓ. દ્વારા પણ આ વિસ્તારની શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર ખાતે જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ‘સિંહ દિવસ’ નિમિત્તે PLO, નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા આજે સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલમાં નાટક પણ રજૂ કરવામાં આવ્યુ હતુ.
સ્પેશિયલ હેશ ટેગ બનાવ્યું છે
વધારેમાં વધારે નાગરીકો સુધી પહોંચી શકાય તે માટે વન વિભાગ દ્વારા #WorldLionDay2024 હેઝટેગ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહ પ્રેમીઓ, એન.જી.ઓ., પ્રકૃતિ પ્રેમીઓ, જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ષ મેસેજ, ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થાય તે માટે જાગૃત કરવામાં આવશે. ઉપરાંત આ સંદેશો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે સાહિત્ય-કલાકારો દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.