- વાહન ચાલકો અને દરેક ગામોના ગ્રામજનો માટે આ માર્ગ માથાનો દુખાવો સાબિત થયો
- ખાડા બાબતે સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરે છે, ત્યારે માત્ર કાચો માલ (મોરમ) નાખી ખાડા પુરી દેવાય છે
- માર્ગ ઉપરથી વાહનોની અવરજવર બંધ કરી ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ચીમકી
ચોમાસા દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહેતું હોવાથી રોડ રસ્તા ધોવાઈ જતા હોય છે એ વાતથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ ડેસર તાલુકાનો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે અને વારંવાર રજૂઆતોનું પરિણામ માત્ર નહીવત છે.
38 કિલોમીટરના માર્ગમાં ક્યાં ખાડા નથી તે એક સવાલ
તંત્ર માત્ર ખાળા પૂરીને સંતોષ માનતું હોય છે, હાલ ડેસરથી સાવલી અને ઉદલપુરના માર્ગની સાવ ખસતા હાલત થઈ જવા પામી છે, ઉદલપુરથી સાવલી 38 કિલોમીટરના માર્ગમાં ક્યાં ખાડા નથી તે એક સવાલ છે, વાહન ચાલકો અને દરેક ગામોના ગ્રામજનો માટે આ માર્ગ માથાનો દુખાવો સાબિત થયો છે. સ્થાનિકો જ્યારે પણ ઉપરોક્ત માર્ગ બાબતે તંત્રને રજૂઆત કરે છે, ત્યારે માત્ર એક જ જવાબ મળે છે કે આ માર્ગ ફોરલેન મંજૂર થયો છે માત્ર હૈયાધારણા આપીને સંતોષ માને છે.
ખાડાના કારણે કેટલાય નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા
ડેસરથી સાવલી 22 કિલોમીટરના માર્ગ ઉપર એટલી હદે ખાળા પડ્યા છે કે માત્ર 15 મિનિટમાં વાહન સાવલી પહોંચે તેની જગ્યાએ એક કલાક જેટલો સમય બરબાદ થાય છે અને વાહનોમાં મોટાપાયે નુકસાન થાય છે. બિમાર દર્દીઓ અને સગર્ભા સ્ત્રીઓને સાવલી દવાખાના સુધી લઈ જવામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. એમ્બ્યુલન્સ પણ વહેલી તકે આ માર્ગ ઉપરથી પસાર થઈ શકતી નથી આ બિસ્માર માર્ગના કારણે અગાઉ અનેક અકસ્માતો થઈ ચૂક્યા છે અને કેટલાય નિર્દોષોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તંત્રને જ્યારે માર્ગના ખાડા બાબતે સ્થાનિકો ઉગ્ર રજૂઆત કરે છે, ત્યારે માત્ર કાચો માલ (મોરમ) નાખી ખાડા પુરી દેવાય છે અને તે બે ત્રણ દિવસમાં ખાડામાંથી બહાર નીકળી જાય છે.
માર્ગ પર યોગ્ય મરામત નહીં થાય તો ઉગ્ર આંદોલનની ગ્રામજનોની ચીમકી
ઉદલપુરથી ડેસર અને સાવલી સુધીના 38 કિલોમીટરના માર્ગ ઉપર દિવસ દરમિયાન હજારો ભારદારી ડમ્પરો કવોરી ઉદ્યોગમાંથી કપચી, કપચા, ડસ્ટ ગ્રીટ મેટલ લઈને ફરે છે તે પ્રમાણે સરકારમાં એટલી જ રોયલ્ટી ભરાય છે છતાં માર્ગ બનાવાતો નથી. ડેસર, વરસડા, વેજપુર, સિહોરા, ઉદલપુરના ગ્રામજનો તંત્ર પ્રત્યે ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે અને જણાવે છે કે જો વહેલી તકે માર્ગની વ્યવસ્થિત મરામત નહીં કરાવાય તો આવતા દિવસોમાં માર્ગ ઉપરથી વાહનોની અવરજવર બંધ કરી દઈને ઉગ્ર આંદોલન કરીશું તેવુ રોષે ભરાઈ જણાવી રહ્યા છે.