- અપડાઉન કરતા મુસાફરો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ હતી
- દરરોજ સાંજે બોટાદથી આવતી ટ્રેન સુ.નગર સુધી કરી દેવાઈ,
- સવારે સુ.નગરથી ટ્રેન ધ્રાંગધ્રા જઈ ત્યાંથી ફરી સુરેન્દ્રનગર આવી બોટાદ જશે
ભાવનગર ડિવિઝન દ્વારા બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે સવારની ડેમુ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા રોજિંદા અપડાઉન કરતા મુસાફરો અને ઝાલાવાડમાંથી સાળંગપુર દર્શને જતા યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડતા ગત માસે રજઆત થઈ હતી. ત્યારે રેલવેએ તા. 12મી ઓગસ્ટથી ટ્રેનના સમયમાં ફેરફાર જાહેર કર્યો છે. જેમાં સાંજે બોટાદથી આવતી ટ્રેન સુરેન્દ્રનગર સુધી જ ચાલશે. જયારે સવારે સુરેન્દ્રનગરથી ઉપડશે.
બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે દોડતી સવારની ડેમુ ટ્રેન અચાનક બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી પડતી હતી. જેમાં લીંબડી, ચૂડા, રાણપુર અપડાઉન કરતા સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રાના મુસાફરો અને સાળંગપુર દર્શને જતા દર્શનાર્થીઓને મુશ્કેલી પડતા રેલવેના ડીઆરએમ સુધી રજૂઆત થઈ હતી. ત્યારે ભાવનગર રેલવે સ્ટેશને ડેમુ ટ્રેનનમાં ફેરફારની જાહેરાત કરી છે. જેમાં જણાવાયા મુજબ તા. 12મીથી સાંજે બોટાદથી ઉપડતી ટ્રેન 5-50ના બદલે 6-30 કલાકે ઉપડશે. ટ્રેન સુરેન્દ્રનગર 8-20 કલાકે આવશે અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા વચ્ચે રદ્દ રહેશે. જયારે સવારે ટ્રેન સુરેન્દ્રનગરથી સવારે પ કલાકે ઉપડી 6 કલાકે ધ્રાંગધ્રા જશે અને ધ્રાંગધ્રાથી 6-20 કલાકે ઉપડી વાયા સુરેન્દ્રનગર, લીંબડી, ચૂડા, રાણપુર થઈને 9 કલાકે બોટાદ પહોંચશે. સુરેન્દ્રનગરથી બોટાદ તરફ જવા માટે પ્રથમ ટ્રેન સવારે 9-40ની હતી. જેના બદલે હવે તેનાથી પહેલા સવારે ટ્રેન મળતા મુસાફરોમાં આનંદ ફેલાયો છે.