- પડતર પ્રશ્નો ઉકેલ માટે પાટડીમાં અગરિયા મહાસંઘ દ્વારા બેઠક બોલાવાઈ હતી
- અગરિયા મહાસંઘની બેઠકમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ હતી.
- આ પ્રશ્નના ઉકેલ માટે અગરિયા મહાસંઘ દ્વારા બેઠક બોલાવાઈ હતી
કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓમાંથી માત્ર 497 અગરિયાઓને મંજૂરી મળી છે. ત્યારે અગરિયાઓની રોજીરોટી છીનવાઈ જવાની રાવ ઉઠી છે. આ પ્રશ્નના ઉકેલ માટે અગરિયા મહાસંઘ દ્વારા બેઠક બોલાવાઈ હતી. અને પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા ધારાસભ્યને રજૂઆત કરાઈ હતી.
કચ્છના નાના રણમાં આવતા ઘુડખર અભિયારણ્ય વિસ્તારમાં મીઠુ પકવવા જતા અગરિયાઓને અગાઉ રોકવામાં આવ્યા હતા. ત્યારબાદ સર્વે સેટલમેન્ટમાં માત્ર 497 અગરિયાઓને પ્રવેશની મંજૂરી અપાઈ છે. ત્યારે અન્ય 5 હજારથી વધુ અગરીયા પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેમાં પાટડી સરકીટ હાઉસ ખાતે અગરિયા મહાસંઘ દ્વારા બેઠક બોલાવાઈ હતી. જેમાં ધારાસભ્ય પી.કે.પરમાર, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દીલીપભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર, અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા, મહામંત્રી પરબતભાઈ સુરેલા સહિત મોટીસંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યને અગરિયાના હક્કોનું કાયમી નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. જયારે ધારાસભ્ય પી.કે.પરમારે પણ સાંસદ ચંદુભાઈ શિહોરા, વન મંત્રી મુળુભાઈ બેરા સાથે ટેલિફોનીક ચર્ચા કરી હતી. અને જયા સુધી પ્રશ્નનો કાયમી નિકાલ ન આવે ત્યાં સુધી મીઠુ પકવવા જતા અગરિયાઓને રોકવામાં આવશે નહીં તેમ જણાવ્યુ હતુ. આ ઉપરાંત પેઢી દર પેઢી મીઠું પકવતા અગરિયાઓનો સર્વે કરી ફાઈલ તૈયાર કરી મોકલવા પણ જણાવ્યું હતું. અગરિયા મહાસંઘ દ્વારા આગામી સમયમાં મહા સંમેલન બોલાવવામાં આવનાર છે. જેમાં મુખ્યમંત્રી, રણ વિસ્તારને લગતા ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદોને પણ આમંત્રિત કરાશે.