- મૃત મહિલાને કાગળ પર બાર વર્ષ વધુ જીવાડી જમીન હડપવાનું યોજનાબદ્ધ કાવતરું ખૂલ્યું
- 1980માં મોત થયું હોવા છતાં આરોપીએ 1986માં મહિલાએ જમીન વેચ્યાનો દસ્તાવેજ ઊભો કર્યો
- આઠ આરોપીઓ સામે સીઆઈડી ક્રાઇમમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કર્યાની ફરિયાદ
મકરબાની કરોડો રૂપિયાની જમીન હડપી લેવા માટે પોપ્યુલર ગ્રૂપના ભૂમાફિયા બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ અને મકરબાના રામભાઈ ભરવાડ સહિત આઠ આરોપીઓ સામે સીઆઈડી ક્રાઈમમાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યાની ફરિયાદ શુક્રવારે રાત્રે નોંધાઈ છે.
સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપીઓએ મૃત મહિલાને કાગળ પર બાર વર્ષ વધુ જીવાડી જમીન હડપ્યાનું યોજનાબધ્ધ કાવતરૂ ખુલ્યું છે. મહિલાનું 1980માં મૃત્યુ થયું હોવા છતાં આરોપીઓએ 1986માં મહિલા જીવતી હોવાનું બતાવી તેની પાસેથી જમીન ખરીદ કર્યાનો બોગસ વેચાણ દસ્તાવેજ ઉભો કર્યો હતો. આ દસ્તાવેજ રદ કરાવવા આરોપીઓએ 1990માં મહિલાએ અંબિકા દર્શન કો.ઓ.હા.સો.લિને જમીન વેચ્યાનો વેચાણ દસ્તાવેજ ઉભો કર્યા બાદ 1992માં મહિલાનું મૃત્યુ થયાની ખોટી નોંધ કલોલી ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં ચેડા કરી બતાવી હતી.
અમદાવાદ જિલ્લાના ખેડા તાલુકામાં આવેલા નાની કલોલી ગામે રહેતાં અને 37 વર્ષથી ત્યાંની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં હંગામી ધોરણે નોકરી કરી પરિવારનું ગુજનાર ચલાવતા કનુભાઈ બબાભાઈ ઠાકોર (ઉં.59)એ સેટેલાઈટના ઘનશ્યામ પાર્કમાં રહેતાં પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ, એલિસબ્રિજમાં શારદા મંદિર રોડ પર રહેતાં મણિકાંત ત્રીકમલાલ શાહ, સેટેલાઈટ ખાતે જોધપુરમાં રહેતાં ગૌતમ ત્રીકમલાલ, ઉસ્માનપુરા ખાતે રહેતા હિતેશ રમણલાલ, વેજલપુરમાં મકરબા ગામના રામુ ભુલા ભરવાડ, બેચરજી ભલાજી ઠાકોર અને ચંદુલાલ ઠાકોર સામે ફરિયાદ કરી છે. કનુભાઈના નાની ગજરીબહેનના પરિવારની મકરબા ખાતે કરોડો રૂપિયાની જમીન આવેલી હતી. જો કે.ગજરીબહેનનું 1980માં કલોલી ખાતે મરણ થતા કલોલી ગ્રામ પંચાયતમાં ફરિયાદીએ તેઓના મોતની નોંધ પડાવી હતી. મૃતકની જમીનની કોઈ દેખરેખ રાખવાવાળું ન હોવાથી આરોપીઓએ જમીન હડપી લેવા કાવતરું ઘડયું હતું. જે મુજબ આરોપી મણીકાંત શાહે 1986માં આ જમીન ગજરીબહેન અને તેમની માતા પાસેથી રૂ.55,902માં ખરીદ કર્યાનો વેચાણ દસ્તાવેજ ઉભો કર્યો જે દસ્તાવેજમાં ગૌતમ શાહ કરસનબહેન અને ગજરીબહેનના કુલમુખ્તયાર અને સાક્ષી હિતેશ રમણલાલ હતા.આ જમીન ટુકડા ધારામાં આવતી હોવાથી દસ્તાવેજ કલેક્ટરે 1988માં રદ કર્યો હતો. પહેલો દસ્તાવેજ રદ કરાવવાના આશયથી 6-11-1990માં મકરબાના રામુ ભરવાડે 1980માં મૃત્યુ પામેલા ગજરીબહેનના પોતાને કુલમુખ્તયાર બતાવી બીજો વેચાણ દસ્તાવેજ બનાવી નોંધ પડાવી અને તે જ દિવસે આ જમીન રામુ ભરવાડે અંબિકા દર્શન ખેતી સહકારી કો.ઓ.હા.સો.ને વેચી માર્યાનો વેચાણ દસ્તાવેજ થયો હતો. ગજરીબહેનનું 1980માં મરણ થયાનું જાણવા છતાં ભૂમાફિયા રમણ પટેલ સહિતના આરોપીઓએ 1992માં તેઓનું મરણ થયાની ખોટી નોંધ પડાવી મરણ સર્ટીનો ખોટા તરીકે દાવાદૂવીમાં ઉપયોગ કર્યો હતો. રામુ ભરવાડ મકરબા ગ્રામ પંચાયતનો હોદ્દેદાર હોવાથી ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ભૂમાફિયા રમણ પટેલની ટોળકી ખોટા ડોકયુમેન્ટ બનાવવામાં માહિર
પોપ્યુલર બિલ્ડર ગ્રૂપના ભુમાફિયા રમણ પટેલ સામે પુત્રવધુએ પહેલી ફરિયાદ કર્યા બાદ સીલસીલો અટકવાનું નામ લેતો નથી. ભુમાફિયા રમણ પટેલ સામે અગાઉ થલતેજમાં 600 કરોડની જમીન પડાવી લેવાનો અને ગોધાવી ગામના જમીન કૌભાંડનો કેસ નોધાઈ ચુકયો છે જમીન પડાવી લેવાના કેસમાં મોટેભાગે રમણ પટેલની ટોળકી ખોટા ડોકયુમેન્ટ બનાવવામાં માહિર છે . અમદાવાદની બહાર પણ ભુમાફિયા રમણ પટેલ સહિતના લોકો સામે જમીન હડપી લેવાની અનેક ફરિયાદો થઈ છે. આXથી વધુ ફરિયાદોમાં રમણ પટેલ અનેકવાર જેલમાં જઈ આવ્યો છે. બીજી તરફ મકરબાના રામુ ભરવાડ સામે પણ જમીન મામલાની અગાઉ પણ ફરિયાદ થયેલી છે.
ભૂમાફિયાના ભોગ બનેલા લોકો CIDનો સંપર્ક કરેઃ ADDG
સીઆઈડી ક્રાઈમના એડી.ડીજી. રાજકુમાર પાંડીયને જણાવ્યું હતું કે, બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ, મકરબાના રામુ ભુલા ભરવાડ સહિતની ટોળકી તેમજ અન્ય ભૂમાફિયાઓનો ભોગ બનેલા ખેડુતો અને લોકો સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરે. આ તત્વો સામે કાર્યવાહી કરી અમે લોકોને ન્યાય અપાવવા માટે કટીબદ્ધ છીએ.