- આત્મહત્યાની આશંકા, કોગ્નિઝેબલ ગુનો હોવા છતાં FIR નોંધી નથી
- શિક્ષિકાની સાથે લીવ-ઈનમાં રહેનારા સામે ગુનો નોંધવા ભાઈની અરજી
- આ સમગ્ર કેસમાં FIR દાખલ કરવા અને સીટને તપાસ સોંપવા માંગણી કરી હતી.
સુરેન્દ્રનગરની શિક્ષકાની અડાલજમાં રહસ્યમય સંજોગોમાં આત્મહત્યા પ્રકરણમાં આખરે મૃતકના ભાઇએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી આ સમગ્ર કેસમાં FIR દાખલ કરવા અને સીટને તપાસ સોંપવા માંગણી કરી હતી.
જેની સુનાવણીના અંતે હાઈકોર્ટે પોલીસના ઉદાસીન વલણને લઇ ગંભીર સવાલ ઉઠાવ્યા હતા કે, પ્રસ્તુત કેસમાં કોગ્નીઝેબલ ઓફેન્સ બનતો હોવા છતાં પોલીસે શા માટે હજુ સુધી કાર્યવાહી કરી નથી. હાઇકોર્ટે અરજદાર દ્વારા જે મુદ્દા ઉઠાવાયા છે, તે મામલે ચાર સપ્તાહમાં યોગ્ય તપાસ કરવા પોલીસને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે હુકમમાં સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસ ઓથોરીટીએ લલિતાકુમારી વિરૂદ્ધ ઉત્તરપ્રદેશ સરકારના ચુકાદામાં સુપ્રીમકોર્ટે જે નિર્દેશો આપ્યા છે, તેનું અનુસરણ કરવાનું રહેશે.
મૃતકના ભાઇ તરફ્થી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, અરજદારની શિક્ષિકા બહેનના 2014માં છૂટાછેડા થઇ ગયા હતા. એ અગાઉ 2010થી 2012માં તેમના ત્યાં ભાડુઆત તરીકે રહેતા પ્રવીણ કેશુભાઇ પરમાર નામના વ્યકિત સાથે તેણીનો પ્રણયસંબધ બંધાયો હતો. 2012 પછી પ્રવીણ પરમાર બીજે રહેવા જતો રહ્યો હતો જો કે, તે અને તેમની બહેન બંને એકબીજા સંપર્કમાં હતા અને લીવ ઇન રિલેશનશીપમા રહેતા હતા.પ્રવીણ પરમાર દ્વારા અરજદારની બહેનને માનસિક-શારીરિક ત્રાસ અપાવાનું ચાલુ થતાં તેની બહેને લીવ ઇનનો કરાર રદ કરવા પાંચ લાખ રૂપિયા પણ આપ્યા હતા પરંતુ ત્યારબાદ પણ તેણે કરાર રદ કર્યો ના હતો અને ઉલ્ટાનું તેની બહેનને બ્લેકમેઇલ કરવાનું અને સમય-સમય પર પૈસા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. દરમ્યાન ગત તા.30-8-2022ના રોજ અરજદારની માતાએ તેની બહેનને ફેન કર્યો પરંતુ કોઇ રિપ્લાય આવતો ન હતો. પરિવારજનોએ તેની બહેનની તપાસ કરી પણ કયાંય ભાળ મળી ન હતી. છેવટે તા.4-9-22ના રોજ હળવદ પોલીસ મથકમાં તેમની બહેન ગુમ થઇ હોવાની ફરિયાદ પણ અપાઇ હતી. બીજીબાજુ, અડાલજ પોલીસમાંથી તેમને જાણ થઇ હતી કે, તેમની બહેને આત્મહત્યા કરી છે.