- વટવાના યુવકે 2 શખ્સને ડ્ગ્સ આપ્યું હતું, માફિયા પાસેથી 14 લાખનું MD ડ્રગ્સ જપ્ત
- અન્ય રાજયમાંથી લાવીને ડ્રગ્સ માફિયા સિલેક્ટેડ ગ્રાહકોને જ ડ્રગ્સ વેચતા હતા
- શખ્સે ડ્રગ્સનો જથ્થો આપ્યાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની પણ ધરપકડ કરી હતી
રાજ્યમાં હવે ડ્ગ્સ વેચનારાઓની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે બ્રિજ નીચે એમડી ડ્રગ્સ વેચતા બે શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.
બન્નેની પૂછપરછમાં વટવામાં રહેતા શખ્સે ડ્રગ્સનો જથ્થો આપ્યાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે તેની પણ ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ 14 લાખનું એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ એમજી લાયબ્રેરીની પાસે અનિસ મોતિવાલા અને ફૈસલ કકુવાલા નામના બન્ને શખ્સો ડ્રગ્સની ડિલિવરી કરવા આવી રહ્યા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેથી ખાનગી રાહે વોચ ગોઠવીને બન્ને શખ્સોને ઝડપી પાડયા હતા. બન્નેની ઝડતી લેતા મોબાઇલ અને પૈસા અને તેનું ટુવ્હીલર ચેક કરતા 49.570 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સ વિશે પૂછતા વટવામાં રહેતો મોહમંદ આરીફે ડ્રગ્સનો જથ્થો આપ્યાનું જણાવ્યુ હતુ. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે વટવામાં આરીફ શેખના ઘરે દરોડો પાડીને 93.760 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી તેની પણ ધરપકડ કરી હતી.
બોક્સ- આરીફ રાજસ્થાન,મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવી વેચતો હતો.
પોલીસની આરીફની પૂછપરછ કરતા, આરીફ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવતો હતો. આરીફ એક બે વખત નહીં પરંતુ એક વર્ષમાં અનેક વખત ડ્રગ્સનો જથ્થો અન્ય રાજ્યમાંથી લાવીને જુહાપુરા, જમાલપુર અને વટવા વિસ્તારમાં સિલેક્ટેડ ગ્રાહકોને જ ડ્રગ્સનો જથ્થો વેચતો હોવાનું સામે આવ્યુ છે. આ ઉપરાંત, આરીફને ડ્રગ્સનો જથ્થો પુરો પાડનાર શખ્સને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અન્ય રાજ્યમાં જવા રવાના થઇ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.