- ટ્રાફિક વિભાગે હેલ્મેટ અને રોંગ સાઈડ ડ્રાઈવ યોજી
- હેલ્મેટ વગર જતાં વાહનચાલકો સામે કાર્યવાહી
- ટ્રાફિકના નિયમોને લઈ હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો
અમદાવાદમાં ટ્રાફિકને લઈને ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને સવાલ કર્યા હતા. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે પ્રશ્ન કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી ત્યારે અમદાવાદમાં આરંભે સુરા અને અંતે અધૂરા જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક તેમજ હેલ્મેટના નિયમોને લઈ હાઈકોર્ટે ઉધડો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકારને સુચન કર્યું હતુ કે હેલ્મેટનો નિયમ ફરજિયાત લાવો જેના કારણે અકસ્માતમાં કોઈ વ્યકિતનો જીવ ના જાય, સાથે સાથે ટુ વ્હીલરની પાછળની સીટ પર જે બેઠુ હોય તે વ્યક્તિ પણ હેલ્મેટ પહેરવાની ટેવ રાખે. સામાન્ય રીતે કોઈ વ્યકિત મોટા અકસ્માતનો ભોગ બનતી હોય છે ત્યારે માથાના ભાગે ઈજા થવાથી અથવા લોહી નિકળી જવાથી મોત થતું હોય છે, એટલે હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને મહત્ત્વ આપ્યું છે.
હાઇકોર્ટ RTO-પોલીસ પર લાલઘૂમ છે
ટ્રાવેલ્સ બસ-ડમ્પર નીચે માણસો ચગદાઈ મૃત્યુ પામે છે, ટ્રાફિક પોલીસને ચાર રસ્તે ટ્રાફિકજામ અટકાવવામાં નહીં, પૈસા વસૂલવામાં રસ’ છે. તેવો આક્ષેપ કર્યો હતો. અકસ્માત વળતરના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં જજ સંદીપ ભટ્ટે RTO અને ટ્રાફિક પોલીસને આકરા શબ્દોમાં ઝાટક્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, ટ્રાફિક અને નિયમોના ઉલ્લંઘનના જે પ્રશ્નો લોકોને દેખાય રહ્યા છે તે અધિકારીઓને કેમ દેખાતા નથી? બસ અને ડમ્પરની નીચે ઘણા બધા માણસો ચગદાઈને મૃત્યુ પામે છે. આ ડમ્પરો અને ટ્રાવેલ્સ બસ દિવસે કેવી રીતે ફરી શકે છે? આ સ્પેશિયલ પરમિશન વળી કેવી હોય? આવું કશું હોય જ નહીં. ટ્રાફિક હેન્ડલ થઈ ના શકતો હોય તો સ્પેશિયલ પરમિશન કેમ આપવામાં આવી છે? ટ્રાફિક પોલીસને ચાર રસ્તે ટ્રાફિકજામ અટકાવમાં રસ નથી માત્ર પૈસા વસૂલવામાં જ રસ છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસ સતત પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરતી રહે છે. કોર્ટે કહ્યું હતું કે, 500 રિક્ષામાંથી 05 રિક્ષા પકડવાથી કાર્યવાહી કરી ના કહેવાય. માણસોની ઘટ હોય તો ભરતી કરો અને ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવો જોઈએ.
ઇસ્કોન સર્કલ જઈને જુઓ શું સ્થિતિ છે
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, કોઈક દિવસ ઇસ્કોન સર્કલ પર જઈને જુઓ ટ્રાફિકના નિયમોનું કેટલું પાલન થાય છે. રિક્ષાવાળા પેસેન્જરને આગળ બેસાડીને મુસાફરી કરે છે. ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરીને ગાડીઓ ત્યાંથી ઊપડતી હોય છે અને બાજુમાં ઊભા રહેલા ટ્રાફિક પોલીસ જોઈ રહે છે. શું ટ્રાફિક પોલીસ માત્ર ખાનગી વાહનોને દંડવા માટે જ છે! કોમર્શિયલ અને ખાનગી વાહનો માટે અલગ અલગ નિયમો છે? કોઈ ટ્રાન્સપોર્ટ વ્હીકલ દેખાય એટલે 10 પોલીસવાળા તેને ઘેરી પડે છે. તેની પાછળ શું કારણ છે? આનાથી લોકોમાં શું ઈમેજ જાય છે તેની તમને ખબર પડે છે?
DGPને ટ્રાફિક ડ્રાઈવમાં બિલકુલ રસ નથીઃ HC
સરકારી વકીલે જણાવ્યું હતું કે, DGPએ ટ્રાફિક ડ્રાઈવ યોજવાના આદેશ આપ્યા છે. જે સંદર્ભે કોર્ટે જણાવ્યું હતું કે, તેમને ટ્રાફિક ડ્રાઇવમાં બિલકુલ રસ નથી. 15 દિવસ ડ્રાઈવ કરવામાં આવે છે. બાદમાં જેમ છે તેવી પરિસ્થિતિ સર્જાય છે. દિવસ દરમિયાન લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ છે તો પણ ફરતી જોવા મળે છે. હાઇકોર્ટમાં તે લોકોએ કમિશનરના જાહેરનામને ચેલેન્જ કર્યો હતો. જેમાં નિષ્ફળ ગયા હતા છતાં પણ પોલીસ પગલાં ભરતી નથી. લક્ઝરી બસ ગમે ત્યાં પાર્ક કરી દેવામાં આવી રહી છે. તમે ટુ-વ્હીલર ઉપાડી લો છો તો તમને લક્ઝરી બસ દેખાતી નથી. આવા ભેદભાવ કેમ થઈ રહ્યા છે.
શું વિદ્યાર્થીઓને CNGના બાટલા પર બેસવાની પરમિશન છે?
હાઇકોર્ટે પૂછ્યું હતું કે, શાળાએ વિદ્યાર્થીઓને મૂકવા જવાની વાનમાં કેટલી ક્ષમતા હોય છે? કેવી રીતે 6ની કેપેસિટીવાળી વાનમાં 8 બાળકોને બેસાડવામાં આવે છે? સરકારી વકીલે કહ્યું હતું કે, 18 વર્ષથી નીચેના અને 12 વર્ષનાં બાળકોને વાહનની કેપેસિટી કરતાં બમણા બેસાડી શકાય છે. જેથી કોર્ટે ઝાટકણી કાઢી હતી કે, તો શું બાળકોને CNGના બાટલા ઉપર પણ બેસવાની પરમિશન છે? રિક્ષાની પાછળ સ્કૂલ બેગ લટકતી જોવા મળે છે તેની પણ પરમિશન આપવામાં આવી છે?
ચાર રસ્તા પર રિક્ષાવાળા ગમે ત્યાં પાર્કિંગ કરે છે
દરેક ચાર રસ્તે રિક્ષાવાળા ઊભા થઈ જાય છે તેઓ ગમે ત્યાં પાર્કિંગ કરે છે, પોલીસ કોઈ પગલાં લેતી નથી. DCP કહે છે કે, અમદાવાદ શહેરમાં 80 લાખ માણસો સામે 1500 ટ્રાફિક પોલીસ છે તો શું કામ નહીં કરવાનું? ઇન્સ્યોરન્સ કંપનીઓ તો એમ જ કહે છે કે, નિયમો કરતાં વધારે લોકો વાહનમાં બેઠા હોવાથી ઇન્સ્યોરન્સ આપી શકાય નહીં તો RTO અને ટ્રાફિક પોલીસની ભૂલ લોકો ભોગવશે? ડ્રાઈવ એટલે શું આ તો દરરોજની કામગીરી હોવી જોઈએ.
અમુક સ્ટિકરવાળાં વાહનોને પકડવામાં આવતાં નથી
અમુક વાહનોમાં અલગ પ્રકારના સ્ટિકર લગાવેલા હોય છે, તેઓ ઇશારા કરે એટલે તેમને પકડવામાં આવતા નથી. આ બધું જ બીજા લોકો જોઈ શકે છે તમને કેમ નથી દેખાતું? શું તેમાં પોલીસનો નાણાકીય લાભ કે અંગત સ્વાર્થ છે? રિક્ષામાં ત્રણની જગ્યાએ છ પેસેન્જર ભરવામાં આવે છે. વળી રિક્ષાને ગમે ત્યાં ઊભી રાખવામાં આવે છે, બ્રિજની વચ્ચે પણ ઊભી રાખવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલે TRP જવાન સિવાય ટ્રાફિક પોલીસ તો ક્યાંય જોવા જ મળતી નથી. કેમેરાને આધારે કેટલા રિક્ષાવાળાઓ સામે તમે કેસ કર્યા છે? AMTS અને ST બસવાળા પણ બ્રિજ નીચે પાર્કિંગ કરે છે. AMTS બસ સ્ટોપ ઉપર રિક્ષા ઊભી રહી જાય છે. ટ્રાફિક નિયમોમાં તેમને બસ સ્ટેન્ડ ઉપર ઊભા રહેવાની પરમિશન નથી તો શા માટે તેમને ઊભા રાખવામાં આવે છે?