- લાઇસન્સ, આરસી બુક, વાહન ટ્રાન્સફર સહિતની કામગીરી ઠપ્પ
- ગઈકાલે RTOની કામગીરી સર્વર ઠપ્પ રહેવાના કારણે બંધ હતી
- દરેક કામગીરી ઓનલાઈન થઈ જતાં અરજદારોને મુશ્કેલી
RTO કચેરીમાં વાહનની ઓનલાઇન કામગીરી માટેનું સારથી સર્વર ઠપ્પ થતા સોમવારે ઉઘડતા દિવસે વાહન અને લાયસન્સ સંબધિત કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. તેમજ સતત બીજા દિવસે એટલે કે આજે મંગળવારે પણ RTOમાં તમામ કામગીરી બંધ રહી હતી.
સર્વર બંધ રહેતા કોમ્પ્યુટર ટેસ્ટ બંધ
સર્વર બંધ રહેતા લાયસન્સ માટે આવેલા અરજદારોને ધક્કો ખાવો પડ્યો હતો. આ ઉપરાંત છેલ્લા 4-5 દિવસથી વાહન સર્વર પણ ધીમું ચાલે છે. જેના કારણે અરજદારોને હાલાકી વેઠવી પડી રહી છે. અમદાવાદની સાથે આખા રાજ્યની આરટીઓ કચેરીમાં આ સમસ્યા સર્જાતી હોય છે.
અમદાવાદ RTOનું સારથી પરિવહન પોર્ટલ અવાર-નવાર બંધ થઈ જતા લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, જો સર્વર ઠપ્પ જ રહેતાં હોય તો આ પ્રકારના સેન્ટર બંધ કરી દેવા જોઈએ.
અરજદારોને કલાકો સુધી બેસાડી રાખવામાં આવે છે
સારથી સોફ્ટવેર વારંવાર બંધ થઈ જવાની સમસ્યાનું કાયમી સમાધાન જરૂરી છે. કારણ કે કલાકો સુધી બેસાડ્યા બાદ લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપવાની ના પાડવામાં આવે તે યોગ્ય નથી. જો કનેક્ટીવીટી ન હોય તો વૈકલ્પિક વ્યવસ્થા રાખવા અરજદારોએ બળાપો કાઢ્યો હતો.