- વર્ષોથી રાઈડ્સ રાખનારાએ હરાજીમાં ભાગ ન લીધો
- ખાનગી મેળાધારકે 1.27 કરોડમાં 31 પ્લોટ ખરીદ્યા
- ઓછી રાઇડસ-સ્ટોલ સાથે મેળો યોજાનાર છે
રાજકોટમાં યોજાનાર જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રચલિત છે. દર વર્ષે તંત્ર દ્વારા મેળાના નામકરણ માટે રાજકોટની જનતાને જોડવામાં આવી હતી. જેમાં તમામ શહેરીજનો દ્વારા તેમની પસંદગીનું નામ મોકલવામાં આવેલ. ત્યારે કલેકટર પ્રભવ જોષી દ્વારા આ યાદીમાંથી એક નામ પંસદ કરી આગામી તારીખ 24થી 28 ઓગસ્ટ 2024 સુધી યોજાનારા લોકમેળાનું નામ ‘ધરોહર’ નક્કી રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ લોકમેળામાં વર્ષોથી રાઈડ્સ રાખનારા કડક SOPનો વિરોધ કરી રહ્યા હતા. જેને લઇને તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 3 વખત હરાજી કરાયા બાદ પણ કોઈએ ભાગ લીધો ન હતો. જેથી વહીવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કર્યા હતા. જેમાં એક ખાનગી મેળા સંચાલકે 1.27 કરોડમાં એકસાથે 31 પ્લોટ ખરીદ્યા હતા. જેથી તમામ મોટી રાઇડસ એક વ્યક્તિને આપવામાં આવેલ છે.
ખાનગી મેળા સંચાલકોને આમંત્રિત કરવામાં આવેલ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સાતમ-આઠમના તહેવારોમાં યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી આવતા હોય છે. ત્યારે લોકોમેળાને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. જોકે, આ વખતે 24થી 28 ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો યોજાનારા લોકમેળામાં એકસાથે તમામ મોટી રાઇડસની ખરીદી કરતા વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે ગ્રીનલેન્ડ ચોકડી અને નાનામવા સર્કલ પાસે ખાનગી મેળાનું આયોજન કરીએ છીએ. જોકે, આ વખતે રાજ્ય સરકારની કડક ગાઈડલાઈનના કારણે કોઈએ હરાજીમાં ભાગ ન લેતા ખાનગી મેળા સંચાલકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેથી, આજે અમે યાંત્રિક રાઈડસની હરાજીમાં ભાગ લીધો હતો.
1.27 કરોડમાં 31 પ્લોટસ રાઇડસ માટે ખરીદ્યા
જેમાં 31 મોટી રાઇડસની અપસેટ પ્રાઈઝ 1.18 કરોડ હતી. જોકે, બોલી લગાવતા 1.27 કરોડમાં 31 પ્લોટસ મળ્યા હતા. આ વખતે પ્રથમ વખત રેસકોર્સ મેદાનમા લોકમેળામાં રાઇડસ રાખીશું અને NDT રિપોર્ટ, ફાઉન્ડેશન અને ફિટનેસ સર્ટિફિકેટ સહિતના નિયમોનું પાલન કરીશું. મેં બિલ્ડિંગ લાઈનમાં કામ કરેલું છે અને SOP તે મુજબનીજ હોય છે. રાજકોટ બહારના કોઈ વ્યક્તિ આવી ન જાય તે માટે મેં 1.27 કરોડમાં 31 પ્લોટસ રાઇડસ માટે ખરીદ્યા છે.
આ વખતે 5 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રખાશે
તો બીજી તરફ લોકમેળામાં PGVCL દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે. આ સાથે જ દરેક સ્ટોલ ઉપર CCTV અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. તેમજ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા છે. ગત વખતે ચાર એન્ટ્રી અને એક્ઝિટ ગેટ હતા તેના સ્થાને આ વખતે 5 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે તો 2 ઈમરજન્સી એક્ઝિટ પણ રાખવામાં આવ્યા છે.
આઇસ્ક્રીમના એક સાથે 8 સ્ટોલ ખાનગી કંપનીએ ખરીદ્યા
આ વખતનો લોકમેળો ચગડોળ સાથે જ યોજાશે તે હવે નક્કી થઈ ગયું છે. આ સાથે જ આજે આઇસ્ક્રીમના એક સાથે 8 સ્ટોલ ખાનગી કંપનીએ ખરીદ્યા હતા. જોકે, હજુ 8 સ્ટોલ માટે વાટાઘાટો ચાલુ છે. આ ઉપરાંત રમકડાના કોર્નરના 20 સ્ટોલ, ખાણીપીણીનો અને ટી કોર્નરનો 1 સ્ટોલ ખાલી છે. જે બાબતનો નિર્ણય કલેકટર દ્વારા કરવામાં આવશે.
2007થી અત્યાર સુધીમાં લોકમેળાને અપાયેલા નામ
વર્ષ | લોકમેળાનુ નામ |
2007 | રંગીલો લોકમેળો |
2008 | રમઝટ લોકમેળો |
2009 | નવરંગ લોકમેળો |
2010 | સ્વર્ણિમ લોકમેળો |
2011 | સાંસ્કૃતિક લોકમેળો |
2012 | વિવેકાનંદ લોકમેળો |
2013 | સાંસ્કૃતિક લોકમેળો |
2014 | જમાવટ લોકમેળો |
2015 | ગોરસ લોકમેળો |
2016 | મારો રંગીલો મેળો |
2017 | વાયબ્રન્ટ લોકમેળો |
2018 | ગોરસ લોકમેળો |
2019 | મલ્હાર લોકમેળો |
2022 | આઝાદીનો અમૃત લોકમેળો |
2023 | રસરંગ લોકમેળો |
2024 | ધરોહર લોકમેળો |