- માસાએ નોકરીની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ
- યુવતી ગર્ભવતી થતાં ગળે ફાંસો ખાઈ કરી હતી આત્મહત્યા
- આરોપી સ્ટર લાઈફ બાયોટેક કંપનીનો માલિક
મહાભારતમાં શકુની મામાના પાત્ર વિશે તો સૌ કોઈ જાણતુ જ હશે પણ આજના કળયુગમાં પોલીસે એક એવા શકુની માસાને ઝડપ્યા છે જેમણે પોતાની સગી ભાણી સાથે ન કરવાનું કરીને તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી.
પોલીસે આ મામલે આરોપીને ધરપકડ કરી લીધી છે. આરોપી સ્ટર લાઈફ બાયોટેક કંપનીનો માલિક છે અને આરોપી પરિણિત છે જેને લગ્નેતર સંબંધથી બે સંતાન પણ છે આ આરોપી સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેની 22 વર્ષીય ભાણી પર દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયેલો છે. આરોપી 2015થી અમદાવાદમાં કેમિકલની ફેક્ટરી ધરાવે છે. જેમાં તેની 22 વર્ષીય ભાણી છેલ્લા 4 વર્ષથી કામ કરતી હતી. આ ભાણીને આરોપીએ લગ્નની લાલચ આપી તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતુ.
13 જુલાઈએ વેજલપુર ગામમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
જેના કારણે તેની ભાણી ગર્ભવતી થઈ ગઈ હતી. આ દરમ્યાન આરોપીના અન્ય યુવતી સાથે પણ શારીરિક સંબંધ હોવાનું ભાણીને જાણ થતા તેણે 13 જુલાઈએ વેજલપુર ગામમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવતીના ફોનમાં ચેટમાં દુષ્પ્રેરણા માટેના પુરાવા મળ્યા છે, જેને લઈને પોલીસે સમગ્ર મામલે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
અન્ય યુવતીઓ સાથે માસા સોશિયલ મીડિયામાં વાતો કરતા હોવાનું જાણવા મળ્યુ
મૃતક ભાણી મૂળ ગીર-સોમનાથના અંતરિયાળ ગામની વતની હતી, જે તેના માસાની ફેકટરીમાં નોકરી કરતી અને અમદાવાદમાં રહેતી હતી. માસાની ફેક્ટરીમાં જ કામ કરતી અન્ય સહકર્મી પાસેથી મૃતક ભાણીને માલુમ પડ્યુ હતુ કે આરોપીના અન્ય યુવતી સાથે પણ શારીરિક સંબંધ હોવાનું તેમજ અન્ય સહકર્મી યુવતીઓ સાથે અવારનવાર તેના માસા સોશિયલ મીડિયામાં વાતો કરતા હોવાનું જાણવા મળ્યુ હતુ. આ દરમ્યાન માસાએ તેની સાથે છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હોવાનું લાગી આવતા મૃતક ભાણીએ તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
બાતમીના આધારે પોલીસે આરોપી માસાની કરી ધરપકડ
ગુનો નોંધાયાની જાણ થતા જ આરોપી માસા અલગ અલગ જગ્યાએ ભાગતો ફરતો હતો. આ દરમ્યાન આરોપી અમદાવાદ આવ્યો હોવાનું વેજલપુર પોલીસને બાતમી મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો પોલીસે આરોપીને ઝડપી તેના મોબાઈલ ફોનને એફએસએલમાં મોકલી આરોપીએ તેની ફેક્ટરીમાં કામ કરતી કેટલી યુવતીઓને ભોગ બનાવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.