- તિરંગો લહેરાવી મહિલાઓ ભજનના રંગે રંગાયેલી જોવા મળી
- શ્રાવણ મહિનો અને સ્વતંત્રતા દિવસની એક સાથે ઉજવણી
- સમગ્ર દેશમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી
આજે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં 78માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના એક શિવાલયમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં શ્રાવણ મહિનો અને સ્વતંત્રતા દિવસની એક સાથે ઉજવણી કરવામાં આવી છે.
સોમેશ્વર મહાદેવને તિરંગાનો શ્રૃંગાર કરવામાં આવ્યો
શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા સોમેશ્વર મહાદેવ મંદિરે સ્વતંત્રતા દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં સોમેશ્વર મહાદેવને તિરંગાનો શ્રૃંગાર કરવામાં આવ્યો અને સાથે જ તિરંગો લહેરાવી મહિલાઓ ભજનના રંગે રંગાયેલી જોવા મળી. દેશવાસીઓ ઉપર હંમેશા ભોળાનાથની કૃપા રહે અને સાથે જ દરેક મુશ્કેલીમાંથી ભગવાન ભોળાનાથ દેશવાસીઓને બચાવે અને દરેક બીમારીથી લોકો દૂર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી.
સોમનાથ મંદિરમાં પણ શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ સ્વતંત્રતા દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી. જેમાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિમાં જોડાયેલા જોવા મળ્યા. સોમનાથ મંદિરમાં આજે 78માં સ્વતંત્રતા પર્વ પર ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ મંદિરને તિરંગા રંગની રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સોમનાથ દાદાની કેસરી સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરી તિરંગા દર્શન સર્જવામાં આવ્યા હતા.
દેશભરમાં 15 ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે દેશભરમાં આજે ઠેર ઠેર 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને દેશને સંબોધન કર્યુ હતું. ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડિયાદ ખાતે કરી હતી અને ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સાથે આજે રાજ્યના અનેક મંદિરોમાં ભગવાનને પણ તિરંગાનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે.