- મોડી રાત્રે ત્રણ વાગ્યે બે અજાણ્યા લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને હીરના કારખાનામાં ઘુસી ગયા હતા
- મંદીના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ સર્જાયો
- આરોપીએ ત્રણેય રત્નકલાકારોની સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો
સુરતમાં ઉત્રાણ યમુના ચોક યમુના પેલેસમાં રહેતા 35 વષીય કૃણાલભાઈ પ્રવિણભાઈ ભુવા વરાછા મીનીબજાર ઠાકોર દ્વાર સોસાયટી શ્રીહરિ બિલ્ડીંગના ચોથા માળે ઓફિસમાં દેવ ફોરપીના નામે હીરાનું કારખાનું ધરાવે છે, તેમના કારખાનામાં દિવસે સંદીપ અને રાતપાળીમાં હાર્દિક દિનેશભાઈ ભુવા અને રૂપેશ ભવાનભાઈ બારૈયા નોકરી કરે છે.
80 હજારની મત્તાના 120 કેરેટના હીરા તેમને આપી દીધા
ગતરાત્રે રાતપાળીમાં નોકરીએ આવેલા હાર્દિક અને રૂપેશ ખાતામાં કામ કરતા હતા, ત્યારે મોડી રાત્રે ત્રણ વાગ્યે બે અજાણ્યા લોકો મોઢા ઉપર રૂમાલ બાંધીને અંદર ઘુસી ગયા હતા. તે પૈકી એક વ્યક્તિએ છરી બતાવી જે કંઈ હોય તે આપી દો, હીરાનો માલ અને પૈસા તેમ કહેતા બંને ગભરાઈ ગયા હતા અને કશું બોલ્યા નહોતા. જેથી જેના હાથમાં છરી હતી તેણે રૂપેશના ગળા પાસે છરી રાખી ખબર નથી પડતી, જે કંઈ હીરાનો માલ કે પૈસા હોય તે આપી દો તેવું ફરી કહેતા તેમને રૂપિયા 80 હજારની કિંમતના 120 કેરેટના હીરા આપી દીધા હતા.
આરોપી મોઢા ઉપર રૂમાલ બાંધી એક વ્યક્તિ હાથમાં છરી લઈને કારખાનામાં અંદર આવ્યો હતો અને કહ્યું હતું કે વસ્તુઓ લઈ લીધી હોય ચલો હવે, તેમ કહેતા અગાઉ આવેલા બે આરોપીઓ પૈકી એક આરોપીએ બંને કારીગર પાસેથી તેમના મોબાઈલ ફોન લઈ લીધા હતા અને ત્રણેય લોકો બહારથી દરવાજો બંધ કરી નાસી છૂટ્યા હતા. કારીગરોએ દરવાજો જોરજોરથી ખખડાવતા આસપાસના કારખાનવાળાએ દરવાજો ખોલ્યો હતો અને સમગ્ર બનાવ અંગે માલિક કૃણાલભાઈને મિત્ર મારફતે જાણ કરતા તે કારખાને દોડી આવ્યા હતા. તેમણે ઓફિસ અને બિલ્ડીંગના સીસીટીવી કેમેરા તપાસ્યા તો તેમાં 20થી 25 વર્ષના ત્રણ અજાણ્યા પૈકી બે લોકો 3.34 કલાકે ઓફિસમાં પ્રવેશતા અને બાદમાં અન્ય એક વ્યક્તિ પ્રવેશતો જોવા મળ્યો હતો.
ત્રણેય રત્નકલાકારોની સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો
બનાવ અંગે કૃણાલભાઈએ વરાછા પોલીસને જાણ કરતા વરાછા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને કુણાલભાઈની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી કાઢયો હતો. પોલીસે ત્રણેય લૂંટારુને ઝડપી લીધા અને હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હાલ હીરા બજારમાં મંદીના માહોલમાં લૂંટની ઘટના બનતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોપીએ ત્રણેય રત્નકલાકારોની સાથે મળી લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો. છેલ્લા ત્રણ મહિનાથી બેકાર હોવાથી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરનાર રત્નકલાકરો દ્વારા ખર્ચને પહોંચી વળવા માટે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જોકે લૂંટ બાદ તમામ આરોપીઓને પોલીસે પકડી લીધા હતા.
વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમ બનાવી હ્યુમન ઈન્ટીલીજન્સ, ટેકનીકલ સર્વેલન્સ અને સીસીટીવી કેમેરા ચેક કરી તપાસમાં જોડાઈ હતી. હીરાના ખાતામાં કામ કરતા કારીગરોની પુછપરછ કરતા શંકાસ્પદ ભુમિકામાં દેખાય આવતા એક કારીગર બલકિશોરની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરી હતી. તેને પોતાના ભાઈ હિતેશ દિનેશભાઈ ભુવા, જયદિપ રઘુભાઇ અલગોતર અને મૌલિક સુરેશભાઈ ગોહિલને તેઓના કારખાનામાં હીરા આવતા હોવાથી લુંટ કરવાની ટીપ્સ આપી હતી.
પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી
પોલીસે રત્નકલાકાર એવા આરોપી હિતેશ દિનેશભાઇ ભુવા, જયદિપ રઘુભાઇ અલગોતર, મૌલિક સુરેશભાઇ ગોહિલની ધરપકડ કરી હતી. આ સાથે ટિપ્સ આપનાર બલકિશોરની અટકાયત કરી હતી. પોલીસે હીરા, બે મોબાઈલ સાથે એક બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જેની કુલ કિંમત 1.25 લાખ છે. હાલ આ મામલે વરાછા પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી રહી છે.