- શેર માર્કેટમાં તગડા નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું
- એપ્લિકેશનમાં દેખાતો નફો વિથડ્રો ન થતા પોલીસ ફરિયાદ
- વોટ્સએપમાં મેસેજ મોકલી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ કરાવ્યું
ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલને વોટ્સએપમાં મેસેજ મોકલી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગ કરી તગડો પ્રોફીટ થવાની લાલચ આપી હતી. ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગના બહાને ભેજાબાજ ઈસમે 68 લાખ 12 હજારનો ચૂનો લગાવવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવેલ છે.
વોટ્સએપમાં મેસેજ કરી ગ્રુપમાં જોડાવવા કહ્યું
ગાંધીનગરના સેકટર – 29 પ્લોટ નંબર 533/1 માં રહેતા સીમાબેન વિકાસભાઈ લાડ એડવોકેટ તરીકે ગાંધીનગર કોર્ટમાં પ્રેકટીસ કરે છે. જ્યારે તેમના પતિ વિદેશમાં નોકરી કરે છે. ગત તા. 6 જૂનના રોજ સીમાબેનનાં વોટ્સએપમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગ કરી સારૂ એવું પ્રોફીટ મેળવવા માટે સતત મેસેજ આવતા રહેતા હતા. અને ગ્રુપમાં જોડાવાનું કહ્યું હતું.
એકાઉન્ટમાં નફો બતાવી વિશ્વાસમાં લીધા
જેનાં પગલે સીમાબેને નવમી જુન સુધી મેસેજ આવેલા નંબર પર ચેટીંગ કરતા સામે વાળા ઈસમે પોતાનુ નામ JILL જણાવી પોતે અવીવા ગૃપ તરફથી વાત કરતો હોવાનું કહી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ માટે નવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવાની વાત કહી હતી. અને AVIVAFTSE એકાઉન્ટ મારફતે ખરીદ-વેચાણ કરવાનું તેમજ એકાઉન્ટ મારફતે IPO, નવા સ્ટોક, બ્લોક ટ્રેડીંગ, ડેઈલી લીમીટ ટ્રેડીંગ વિગેરે તાત્કાલિક થવાનો વિશ્વાસ આપેલ.
20 રૂપિયા સિવાય અન્ય કોઈ ચાર્જ નહીં લાગે
વધુમાં ઈસમે ચેટ કર્યા બાદ કહેલ કે, કંપની દ્વારા આ બાબતે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર ખરીદ-વેચાણ ઉપર કમીશન 0.00025 ટકા અને ટ્રાન્જેક્શન ઓર્ડર પર 20 રૂપિયા ચાર્જ થાય કહીને સારા પ્રોફિટની લાલચ આપી હતી. બાદમાં સીમાબેનનો નંબર AVIVA INVESTMENT ACADEMY વોટસએપ ગ્રુપમાં એડ કર્યો હતો. અને ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈનમેક્સ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી શેર ખરીદવાનું કહ્યું હતું.
જેનાં કહ્યા મુજબ સીમાબેને 10 જૂન થી 27 જુલાઈ સુધી 68.12 લાખથી વધુનું રોકાણ કરેલ. જેની સામે સારો એવો પ્રોફિટ પણ એપ્લિકેશનમાં ડિસ્પ્લે થતો હતો. જે રકમ ઉપાડવા માટે પ્રોસેસ કરતા રકમ ઉપડી ન હતી. અને અલગ-અલગ ચાર્જીસના નામે વધુ રકમ જમા કરાવવાનુ કહેવામાં આવતા સીમાબેનને છેતરપિંડી થયાનો અહેસાસ થયેલ હતો. આખરે તેમણે ફરીયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.