ત્રણ દિવસના સત્રમાં વડાપ્રધાન મોદીને ત્રીજી ટર્મ માટેના અભિનંદન સહિતના ઠરાવો રજૂ થશે
ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની તોતિંગ બહુમતી છે. તેવા સંજોગોમાં આજથી ચોમાસું સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્રણ દિવસના ટૂંકા સત્રમાં આજે પ્રથમ દિવસે એનડીએની ત્રીજી ટર્મની સરકારને અભિનંદન આપવામાં આવશે. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તેને ધારાસભ્યો ગૃહમાં ઠરાવ કરીને અભિનંદન પાઠવશે.
સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-૨૦૨૪, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-૨૦૨૪, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-૨૦૨૪ અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનું નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક સુધારા વિધેયકો છે પણ એક માત્ર અધોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે.
સત્રના પ્રથમ દિવસે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યાં છે ત્યારે અભિનંદન પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવશે. આ તરફ વિપક્ષ સરકારને ઘેરવા તૈયારીઓ કરી છે. રાજકોટ અગ્નિકાંડ, સાયકલ ખરીદી કૌભાંડ, ફોરેસ્ટ ગાર્ડની ભરતી, બે આદિવાસી યુવકોની હત્યા સહિતના મુદ્દા ઉઠાવી વિપક્ષ ગૃહમાં હંગામો મચાવશે.
વિધાનસભા સત્રને પગલે શાસક અને વિપક્ષે મોડી સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. જેમાં રણનીતિ ઘડવામાં આવી હતી. આ ઉપરાંત વિધાનસભા કામકાજ સલાહકાર સમિતિની પણ બેઠક મળી હતી. આ તરફ, શિક્ષકો, વનકર્મી, આંગણવાડી બહેનો પડતર પ્રશ્નોને લઇને વિરોધ પ્રદર્શન કરી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસની ન્યાયયાત્રા પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શિત કરે તેવી ભીતિ છે. આ કારણોસર ગુજરાત વિધાનસભા સંકુલમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આમ, આવતીકાલથી શરૂ થનારૂ ચોમાસુ સત્ર માત્ર ઔપચારિક જ બની રહેશે.