- સુરતના ઈચ્છાપોરની ઘટના
- ટ્રક ડ્રાઈવર બેહોશ થઈને ઢળી પડ્યો
- હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો
સુરતમાં એક યુવાનનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તારણમાં મોતનું કારણ હાર્ટએટેક હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે 2 બાળકોએ પિતાની છત્રછાયા અને એક ગર્ભવતી પત્નીએ પતિનો સંગાથ ગુમાવ્યો છે.
સુરતના ઈચ્છાપોર એરિયામાં એક ટ્રકડાઈવરનું શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું છે. છે. મૃતકનું નામ રાજકુમાર શાહૂ હોવાનું જણાવાઈ રહ્યું છે. મહત્વનું છે કે મૃતક ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો ત્યારે છાતીમાં દુખાવા બાદ સ્ટીયરિંગ પર માથું મૂકીને બેહોશ થઈ ગયો હતો. આ મૃતકને હોસ્પિટલે લઈ જતા તેને તબીબે મૃત જાહેર કર્યો હતો.
મહત્વનું છે કે આ મૃતક યુવકની પત્નીને છ માસનો ગર્ભ છે. ત્યારે પિતા બને એ પહેલાં જ આ યુવાન મોતને ભેટતાં તેનો પરિવાર આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. આ ઉપરાંત આ મૃતક યુવાનને 2 અન્ય બાળકો પણ છે, જેમણે ખૂબ જ નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ મામલાની માહિતી પ્રમાણે ઈચ્છાપોરમાં આવેલી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ આવ્યો હતો, જ્યાં નો એન્ટ્રી હોવાથી ગેટથી દૂર તેણે પોતાનું ટ્રક પાર્ક કર્યા બાદ રાજકુમાર સીટના સ્ટીયરિંગ પર માથું મૂકી બેહોશ થઈ ગયો હતો. સિક્યોરિટી ગાર્ડને રાજકુમાર બેભાન અવસ્થામાં મળી આવતાં તાત્કાલિક હોસ્પિટલ એડમિટ કર્યો હતો જો કે તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.
મહત્વનું છે કે રાજકુમાર અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે. છેલ્લાં ત્રણ વર્ષથી રાજકુમાર શાહુ સુરતના ટ્રાન્સપોર્ટ પર ટ્રક-ડ્રાઈવર તરીકે કામ કરી પોતાની પત્ની, બે સંતાન અને માતા-પિતાનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ સુરતના ઈચ્છાપોર ખાતે આવેલી ખાનગી કંપનીમાં રાજકુમાર ટ્રક લઈ માલની ડિલિવરી માટે પહોંચ્યો હતો. જો કે નો એન્ટ્રી હોવાથી રાજકુમારને કંપનીના સિક્યોરિટી ગાર્ડે ગેટ પાસે રોકાવી દીધો હતો, જેથી રાજુકુમારે પોતાની ટ્રક કંપનીના ગેટથી થોડા અંતરમાં પાર્ક કરી હતી, જ્યાં ટ્રકના ડ્રાઈવર સીટની જગ્યાએ સ્ટીયરિંગ પર માથું મૂકી બેભાન થઈ ગયો હતો. બાદમાં કંપનીનો ગેટ ખૂલતાં વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ રાજકુમાર ટ્રક લઈ આગળ ન વધતાં સિક્યોરિટી ગાર્ડ તેને જોવા માટે ગયો હતો, જ્યાં તે સ્ટીયરિંગ પર ઢળી પડેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ યુવાનને હોસ્પિટલે લઈ જવાતા ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતને લઈ તબીબોએ પણ હાર્ટ-અટેકની શંકા વ્યક્ત કરી હતી, પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે જેથી વધુ વિગત પીએમ રિપોર્ટ પછી જ સામે આવી શકે તેમ છે.