- ગુજરાત સરકારનો મોટો નિર્ણય
- રાજ્ય સરકાર હસ્તકની કચેરીઓમાં વાહનો ભાડેથી લેવાશે
- જૂના વાહનોના બદલે નવા વાહનો નહીં ખરીદાય
સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી ગુજરાત સરકારે હવેથી નવા વાહનો ખરીદવાના બદલે વાહનોને ભાડે રાખવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને રાજ્ય સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓમાં હવે આઉટ સોર્સિંગથી વાહનો ભાડે રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે હાલના સમયમાં રાજ્ય સરકારે કરકસરનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. જનતાના પૈસા બચાવવા માટેનો આ એક ઉદાહરણીય નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે રાજ્ય સરકાર હસ્તકનાં તમામ ખાતાઓની વડી કચેરીઓ તેમજ જીલ્લા કચેરીઓએ અધિકારીઓ તેમજ કર્મચારીઓને સરકારી કામ અર્થે બહાર જવાનું થતું હોઈ તમામ અધિકારીઓ માટે સરકાર દ્વારા વાહનની ફાળવણી કરવામાં આવતી હોય છે. જો કે સમય જતાં આ વાહનોની જાળવણી સરખી ઢબે થતી નથી, જેથી વાહનોના રખરખાવ અને મેન્ટેનન્સનો ખર્ચ વધી જતો હોય છે. આમ અંતે સોના કરતા ઘડામણ મોંઘી પડતી હોય એવો ઘાટ સર્જાય છે. જેથી આ બાબતોને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકાર દ્વારા જીલ્લા કચેરીઓ તેમજ સરકાર હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓમાં ફરજીયાત આઉટ સોર્સિંગથી વાહનો ભાડે મેળવાશે.
સરકાર હસ્તકનાં તમામ વિભાગોમાં સ્ટાફ કાર માટે હવે નવા વાહનની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં નહી આવે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર તેઓનાં હસ્તકનાં ખાતાનાં વડાની કચેરીઓ માટે ભાડે વાહન રાખશે. જૂનાં વાહનો સામે નવા વાહનની ખરીદી કરવાને બદલે આઉટ સોર્સિંગથી વાહનો મેળવાશે. તેમજ વાહન રાખતા પહેલા દરેક વિભાગોએ વાહન માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત છે.
આમ સરકાર હવે કરકસરના માર્ગે હોય તેવું જણાઈ રહ્યું છે. વિકસિત રાજ્ય ગુજરાતની સરકાર જો આવી રીતે વિચારતી હોય તો એ એક પથદર્શીય પગલું ગણાઈ શકે છે. આ નિર્ણયથી દેશની અન્ય રાજ્ય સરકારોમાં પણ આ પ્રકારનો નિર્ણય લેવાની શક્યતાઓ વધી શકે છે. આમ વધુ એક મામલે ગુજરાત દેશના અન્ય રાજ્યોને દિશા બતાવી શકે છે.