- હિંદુ પ્રતીકો સાથે વિધર્મી યુવાન ઝડપાયો
- લવજેહાદના વધતા જતા કિસ્સાઓને રોકવા હિંદુ સંગઠનોનું સરપ્રાઈઝ ચેકિંગ
- સુરતના ઓલપાડના કીમની ઘટના
હાલમાં ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર રંગેચંગે ઉજવાઈ રહ્યો છે, ત્યારે સુરતના ઓલપાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિધર્મી યુવાન તિલક અને સાફા સાથે ગરબા મંડપમાં ઘૂસી આવ્યો હતો અને ગરબા કરી રહ્યો હતો. તેને VHP અને બજરંગ દળની ટીમે ઝડપી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં ગુજરાતમાં ગરબામાં વિધર્મીઓને નો એન્ટ્રી વિવાદ ઘણો ચગ્યો છે. લવજેહાદ અને હિંદુ સ્ત્રીઓ પર વધતી જતી અત્યાચાર અને દુરાચારની ઘટનાઓને ધ્યાને લઈ ઘણી જગ્યાએ ગુજરાતમાં હિંદુ સંગઠનો દ્વારા ગરબા આયોજકોની સાથે આ પ્રકારની ગોઠવણ કરવામાં આવી છે કે વિધર્મી યુવાનોને ગરબામાં એન્ટ્રી નહીં આપવામાં આવે. વિધર્મીઓને એન્ટ્રીથી રોકવા માટે ખાસ તિલક અને ગંગાજળ અથવા ગૌમૂત્ર સાથે એન્ટ્રી આપવાની પણ ઘણી જગ્યાએ ગોઠવણ કરાઈ છે, તો સાથે જ ખેલૈયાઓના આઈડી કાર્ડ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં અમુક જગ્યાએથી વિધર્મી યુવાનોના ઝડપાવાની ઘટના સામે આવી છે. ખાસ કરીને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના સરપ્રાઈઝ ચેકિંગમાં આવા પ્રકારની ઘટનાઓ સામે આવી છે.
સુરતના ઓલપાડના કીમ ગામે ગરબા રમતો એક વિધર્મી યુવાન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની ટીમના સરપ્રાઈઝ ચેકિંગમાં ઝડપાઈ ગયો હતો. મહત્વનું છે કે વિધર્મી હોવા છતાં આ યુવાને કોઈ સામાન્ય હિંદુ ખેલૈયાની જેમ જ માથા પર તિલક અને સાફો પણ બાંધ્યો હતો. સામાન્ય રીતે વિધર્મીઓ આવા પ્રકારના હિંદુ આસ્થાના પ્રતીકોથી દૂર રહેતા હોય છે પરંતુ અહીં આ ચોંકાવનારી બાબત સામે આવી હતી. આ વિધર્મી યુવાન પાસેથી 178 નંબરનું ગ્રાઉન્ડ એન્ટ્રી પાસ મળી આવ્યું હતું.
નોંધનીય છે કે ઘણી જગ્યાએ હિંદુ સંગઠનોએ લવજેહાદના વધતા જતા કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મહિલાઓને આવી સ્થિતિમાં જતી બચાવવા માટે તિલક, સાફો અને ગૌમૂત્રની વ્યવસ્થા કરી રાખેલ છે. તે ઉપરાંત VHP અને બજરંગ દળની ટીમો દ્વારા ઠેર ઠેર ગુજરાતમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે કોઈ વિધર્મી યુવાન આવી રીતે તિલક અને સાફા સાથે ગરબા રમી રહ્યો હોય તેવી આ પહેલી ઘટના નથી આની પહેલા 16 ઓક્ટોબરે વડોદરાના નવલખી મેદાનમાં ક્રેડાઈ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં પણ એક વિધર્મી યુવાન તિલક સાથે મેદાનમાં ગરબા રમતો ઝડપાઈ ગયો હતો.