- રાષ્ટ્રવ્યાપી ગેંગનો વડોદરા પોલીસે કર્યો પર્દાફાશ
- બીએસએનએલના કેબલ કરતી હતી ચોરી
- વિવિધ 8 જેટલા શંકાસ્પદ લોકોને પોલીસે ઝડપ્યા
ગુજરાતના વડોદરામાંથી એક ચકચાર મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં પોલીસે પોતાની કાર્યવાહીમાં BSNL ના કેબલ ચોરતી રાષ્ટ્રવ્યાપી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને તેમની પાસેથી કુલ 1.37 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મહત્વનું છે કે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં સરકારી ટેલકોમ કંપની BSNL દ્વારા એક વિસ્તૃત પ્રોજેક્ટ હેઠળ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઓપ્ટિકલ ફાઈબરના કેબલ થકી દેશના આશરે 6 લાખ ગામડાઓ અને વિવિધ શહેરો સુધી કેબલ નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું છે. આ કનેક્ટિવિટી ઘણી જરૂરી છે પરંતુ એક ગેંગ આ કેબલ પર નજર રાખીને બેઠી છે અને દેશના અલગ અલગ શહેરોમાંથી આ વાયરો ખોદી ખોદીને તેને ચોરી કરી રહી છે. આ કાંડનો પર્દાફાશ વડોદરા પોલીસે તેની તપાસમાં કર્યો છે.
મહત્વનું છે કે BSNLના નેટવર્ક પરથી કેબલની ચોરી કરતી રાષ્ટ્રવ્યાપી ગેંગનો વડોદરા પોલીસે પર્દાફાશ કર્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારના જેસીબી, ક્રેઇન, ટેમ્પો જેવા સાધનો સજ્જ અદ્દલ બીએસએનએલના કર્મચારીની માફક કામગીરી કરતી ટોળકી ચોરી કરી હોવાની જાણ થતા પોલીસે છાપો મારીને 8ને ઝડપી પાડ્યા છે. હકીકતે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મેન્ટલ હોસ્પિટલ પાસે જાહેર રસ્તા પર ગત રાતના સમયે BSNLનું કામકાજ ચાલી રહ્યુ હોવાનો ડોળ રચાયેલો હતો. મુખ્ય માર્ગ પર ખોદકામ કરીને કેબલનું કામકાજ ચાલતુ હોવાના નોટિસના પાટીયા પણ લગાવવામાં આવ્યા હતા. આ ટોળકી શંકાસ્પદ હોવાની પોલીસને વિગતો મળતાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોતાં સ્થળ પર કામ કરી રહેલા 15 થી 20 પૈકીના કેટલાક નાસી છૂટયા હતા. જ્યારે 8 જેટલા ઈસમોની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસે ઝડપાયેલા વડોદરાના સોમાતલાવડી પાસે રહેતા પ્રીતેશ વણઝારા, નટુ વણઝારા ઉપરાંત બિહાર અને રાજસ્થાનના બાંસવાડાના તથા ઉત્તર પ્રદેશના ઇટાવાના શખ્સોની પૂછપરછ કરતાં તેઓ બીએસએનએલનું નેટવર્ક ખોદી કાઢીને તેના વાયરોની ચોરી કરતાં હોવાનું બહાર આવ્યુ હતુ. તેમનો મુખ્ય સૂત્રધાર દિલ્હીમાં હોવાનું જણાવ્યુ હતુ. ખોકામથી લઇને વાયરોની હેરાફેરી માટે તમામ પ્રકારના વાહનો તૈનાત રાખવામાં આવ્યા હતા. તેમની પાસેથી જેસીબી, ક્રેઇન, ટેમ્પો સહિત સાધન સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત પચાસ લાખની કિંમતના તો ચોરી કરેલા કેબલ પણ મળી આવ્યા હતા.
નોંધનીય છે કે બીએસએનએલના કર્મચારીઓ જે રીતે કામ કરે તે પ્રકારે જ આ ટોળકી રસ્તા પર ખોદકામ કરવાનું કામ કરતી હતી. પરંતુ પોલીસને જોતાં તેઓ ભાગવા લાગ્યા હતા, જેના લીધે તેમના પર પાકી શંકા ઉપજી હતી. જો કે પોલીસે હાલમાં ઝડપાયેલા આઠ આરોપીની વધુ પૂછપરછ કરીને તેમના મૂળીયા સુધી પહોંચવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. હાલમાં આ ગેંગનો મુખ્ય સૂત્રધાર દિલ્હી સ્થિત હોવાનું બહાર આવ્યુ છે.