- કોટ વિસ્તારમાં બેફામ કાર હંકારી બાઇકસવારને ટક્કર મારી હતી
- યુવતીનું લાઇસન્સ પણ એક વર્ષ માટે સસ્પેન્ડ
- અકસ્માત સર્જયા બાદ આરોપી યુવતી ઘટનાસ્થળેથી નાસી ગઇ હતી
શહેરમાં મોટર સાઇકલસવારને પોતાની ફોર વ્હીલર કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી તેને જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડવાના કેસમાં એડિશનલ ચીફ્ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ (ઇ ટ્રાફ્કિ-કોર્ટના સ્પે. જજ) સંદીપસિંહ જી. ડોડિયાએ રાજ્યના સૌપ્રથમ અને સીમાચિહનરૂપ ચુકાદો આપતાં આરોપી યુવતી સ્નેહાબેન તરુણભાઇ તેજકરણને બે વર્ષની કેદ અને 3600 રૂપિયા દંડની સજા ફ્ટકારી છે. એટલું જ નહી, કોર્ટે આરોપી યુવતીનું લાઇસન્સ પણ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.
ફરિયાદી હિરેન ભૂપતભાઇ શાહે ગત તા.12-12-2015ના રોજ ઇ ટ્રાફ્કિ પોલીસમાં એફ્આઇઆર નોંધાવી હતી કે, તેઓ તેમની મોટરસાયકલ પર જઇ રહ્યા હતા ત્યારે 27 વર્ષીય આરોપી યુવતી સ્નેહાબેન તેજકરણે કોટ વિસ્તારમાં પોતાની કાર બેફામ રીતે હંકારી મોટરસાઇકલને ટક્કર મારી હતી. જેના લીધે ફરિયાદીને જમણા પગે અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જયા બાદ આરોપી યુવતી ઘટનાસ્થળેથી નાસી ગઇ હતી. યુવતી વિરુદ્ધ આઇપીસીની અને મોટર વ્હીકલ એકટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. સરકારપક્ષ તરફ્થી અધિક સરકારી વકીલ કે.એસ. ચૌધરીએ કોર્ટને જણાવ્યુ હતુ કે, આ ગુનાને સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહીં.
રોડ પર વાહન ચલાવતો વ્યક્તિ તેનાથી થતા કૃત્ય માટે જવાબદાર : કોર્ટ
એડિશનલ ચીફ્ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જી. ડોડિયાએ ચુકાદામાં નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં સાક્ષીઓની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે, આરોપી મહિલા બનાવ વખતે પૂરપાટઝડપે પોતાની કાર હંકારતી હતી, જેથી આ કેસ ઉતાવળના કૃત્ય હેઠળ આવે છે કારણ કે, શહેરના માર્ગો પર ફાસ્ટ સ્પીડની જરૂરિયાત હોતી નથી. રેકર્ડ પરથી સ્પષ્ટ છે કે, આરોપીનું વાહન ફાસ્ટ સ્પીડમાં હોવાના કારણે તેણી પોતાના વાહન પર નિયંત્રણ મેળવી શકી ન હતી અને ફરિયાદીને જોરદાર ટકકર મારી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.