- આઠમનો તહેવાર
- દુર્ગાષ્ટમીનો દિવસ
- પાવાગઢમાં વિધિવત્ હવન
પાવાગઢમાં આજે લાખો માઈભક્તોએ મહાકાળી માતાના ધામમાં પધરામણી કરી હતી. દુર્ગાષ્ટમી અથવા મહાઅષ્ટમીનો તહેવાર અને રવિવાર હોવાથી માઈભક્તોની ભીડ વિશેષ હતી. આજે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર શક્તિપીઠ ધામમાં ઉમટ્યું હતું અને લોકો માતાજીના દર્શન કરી પાવન થયા હતા.
અષ્ટમીના તહેવાર નિમિત્તે મહાકાળી માતાજી મંદિર પરિસરમાં હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સવારથી જ પ્રારંભ થયો હતો. વર્ષોની પરંપરા મુજબ આઠમનો હવન સવારે નવ વાગ્યે વૈદિક મંત્રોચાર સાથે વિધિવત્ આરંભ કરાયો હતો. હવન અને વિશેષ પૂજામાં મંદિર ટ્રસ્ટીઓ, જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા. સવારથી જ લોકોએ મોટી સંખ્યામાં માતાજીના ધામમાં પોતાની હાજરી પૂરાવી હતી. આ માટે લોકો આખી રાત પગપાળા ચાલીને જ મંદિરના છાસિયા તળાવ દ્વારે પહોંચી જતા હોય છે.
મહત્વનું છે કે આસો નવરાત્રિના આઠમા નોરતે વર્ષોની પરંપરા મુજબ હવનનો સવારે નવ વાગ્યે વૈદિક મંત્રોચાર સાથે વિધિવત આરંભ કરાયો હતો. જેનું બપોરે 4:30 કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરાયું હતું. મહત્વનું છે કે મોટી સંખ્યામાં માઈભક્તોએ આ હવનનો લાભ લીધો હતો અને માતાજીના દર્શન કરી ધન્ય થયા હતા.
અન્ય શક્તિપીઠોમાં પણ માનવ મહેરામણ
આજે દુર્ગાષ્ટમીનો દિવસ હોવાથી અંબાજી ધામમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉભરાયું હતું. અહીં લોકોએ માતાજીને પોતાનું માથું નમાવીને તેમના આશિષ લીધા હતા અને આગળના સુખી અને સમૃદ્ધ ભાવિ જીવનની કામના પણ કરી હતી. માતાને માથું નમાવી માઈભક્તોએ માના દર્શનનો અદ્ભુત લહાવો લીધો હતો.