- શ્વાનો આવે છે આરતીમાં
- અંબેમાની આરતીમાં અનોખો બનાવ
- લોકોમાં પ્રસંગ બન્યો ચર્ચાનો વિષય
હાલ ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. ખાસ કરીને નવરાત્રીમાં જેમ ગરબાનું વિશેષ મહત્વ હોય છે તેમજ નવરાત્રીના તહેવારમાં અંબેમાની આરતીનું પણ વિશેષ મહત્વ હોય છે. જેના લીધે આ તહેવારના નવે નવ દિવસ માતાજીની આરતી કરવામાં આવે છે. પરંતુ ભરૂચના વલંદા કોઠી વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી માતાના મંદિરમાંથી એક અનોખી ઘટનાની જાણકારી સામે આવી છે. અહીં શ્વાન નિત્યપણે માતાજીની આરતીમાં અચૂક હાજરી આપે છે.
અત્યારે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ઠેર ઠેર માતાજીની આરાધનાથી ધર્મ, ભક્તિ અને ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. ખેલૈયાઓ મેદાનમાં ગરબા રમીને નવરાત્રીના તહેવારને માણી રહ્યા છે તો ઘણાં માઈભક્તો માતાજીની આરતી, અર્ચના અને આરાધના કરી માતાજીને રીઝવી તેમના મંગલઆશિષની કામના કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતથી એક મહત્વની ઘટનાની જાણકારી સામે આવી છે. ભરૂચના વલંદા કોઠી વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી માતાનું મંદિર હાલ સ્થાનિકોમાં તેમજ આસપાસના પંથકમાં રહેતા લોકોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે કારણ કે આ મંદિરમાં સવાર-સાંજ થતી માતાજીની આરતીમાં શ્વાનોની અચૂક હાજરી રહે છે. આ ઘટનાએ માઈભક્તોમાં કૌતુહલની લાગણી જન્માવી છે.
મહત્વનું છે કે આ જગદ્જનની અંબેમાનું ઘણું જ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. જેમાં ત્રણ પેઢી કરતા પણ વધુ સમયથી આદ્યશક્તિ મા જગદંબાની અહીં આરતી કરવામાં આવતી હોય છે. જો કે આ બધાની વચ્ચે જ્યારે પણ આરતીનો શંખનાદ થાય તેની સાથે જ શેરીમાં લટાર મારતા શ્વાનો અહીં પહોંચી જાય છે. આવી માહિતી મંદિરના પૂજારી અને અહીંના વરિષ્ઠ નાગરિકોએ આપી હતી. અહીંના પૂજારી ધર્મેશભાઈનું કહેવું છે કે તેમના પિતા બચુભાઈ સોલંકી નિયમિત આરતી કરતા તે સમયથી આ મંદિરમાં શ્વાન આરતીમાં નજરે પડે છે.
માતાજીની આ આરતીમાં શ્વાનો આવતા હોવાની ઘટનાએ લોકોમાં ઘણું જ કૌતુક જગાડ્યું છે, અમુક લોકો આને માતાજીનો ચમત્કાર ગણાવી રહ્યા છે તો અમુક લોકો તેને શ્વાનની ભક્તિ ગણાવે છે. સત્ય તો જે હોય તે પરંતુ આ ઘટના હાલમાં ઘણા જ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.