- પાટણના સમી નજીક અકસ્માતમાં 3ના મોત
- રાજકોટમાં કન્ટેનરે બાઇકને અડફેટે લેતાં ત્રણ લોકોના મોત
- જૂનાગઢના અકસ્માતમાં પણ એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો
હાલમાં રોડ અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પાટણમાં એક અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી તરફ રાજકોટમાં પણ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. બંને અકસ્માતમાં બે માસુમ બાળકોના કમકમાટી ભર્યા મોત થયા છે.
આ અંગે જો પાટણના અકસ્માતની વાત કરવામાં આવે તો સમી નજીક બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનામાં અન્ય સાત લોકો ઈજાગ્રસ્ત થયા. મહિલા કોન્સ્ટેબલ સહિત 3 લોકોના મોત થયા છે. નોંધનીય બાબદત છે કે, મુખ્યમંત્રીના બંદોબસ્તમાંથી પરત ફરી રહેલ મહિલા કોન્સ્ટેબલ અને તેમના પતિનું મોત થયું છે. જ્યારે ઇકો કારમાં રહેલ બાળકીનું પણ મોત થયું છે.
બીજી ઘટનામાં રાજકોટમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. જેમાં કન્ટેનર ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માતમાં બાળક સહિત 3 લોકોના મોત થયા છે. આજીડેમ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં મહિલા અને પુરુષ સહિત 10 વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત થયું છે. મૃતક મહિલા અને પુરુષ કેટરિંગ કામ કરતા હતા. હાલમાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં વૃદ્ધ ઈજાગ્રસ્ત
જ્યારે અન્ય એક ઘટનામાં જૂનાગઢ-સોમનાથ હાઇવે જવા માટેના મધુરમ વિસ્તારમાં બપોરના સમયે પોતાના ઘરેથી બજારમાં જતા વૃદ્ધને ડ્રીલીંગ ટ્રકે અડફેટે લેતા વૃદ્ધના બંને પગમાં ગંભીરઈજા પહોંચી હતી. તેમજ ટ્રકમાં વૃદ્ધની મોપેડ પણ ફસાઈ ગઈ હતી. ટ્રકની ભારે ઠોકરના કારણે રોડ પર લોહીના લિસોટા જોવા મળ્યા હતા અને અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.