- 25000 દીવાઓથી મહાઆરતી
- દુર્ગાષ્ટમીના દિવસે વિશેષ આયોજન
- ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા
આજે ગુજરાતમાં દુર્ગાષ્ટમીનો દિવસ છે. નવરાત્રીનું આઠમું નોરતું છે. એટલે લોકોમાં માતાજીની આરાધનાનો ઉત્સાહ અને ઉમંગ અનેરો જ છે. આ સમયે સુરતથી માતાજીની મહાઆરતીના મનમોહક દૃશ્યો સામે આવ્યા હતા. ઉમિયાધામમાં 25 હજાર દીવાઓથી માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી.
હકીકતે આજે દુર્ગાષ્ટમી અથવા તો મહાઅષ્ટમીનો તહેવાર છે. નવરાત્રીના 8મા દિવસ અથવા તો 8મા નોરતાને અષ્ટમી કહેવાય છે. આ દિવસનો મહિમા ઘણો જ મોટો છે. શાસ્ત્રોમાં તેને દુર્ગા માતાજીની આરાધનાનો દિવસ કહેવામાં આવ્યો છે. ખાસ કરીને આ દિવસે ભારતભરની તમામ શક્તિપીઠોમાં , માતાજીના ધામોમાં, માતાજીના મંદિરોમાં વિશેષ હવન-પાઠ-પૂજા ઈત્યાદિનું આયોજન હોય જ છે. માઈભક્તો દ્વારા આજના દિવસને એક વિશેષ અવસર તરીકે મનાવવામાં આવે છે.
આ દિવસે સુરતથી માતાજીની મહાઆરતીના મનમોહક દૃશ્યો સામે આવ્યા હતા. ગુજરાત ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ સમયે મહાઆરતીમાં જોડાયા હતા. માહિતી મુજબ સુરતના વરાછા ઉમિયાધામ ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને માઈભક્તો ઉમટી પડ્યા હતા અને લગભગ 25 હજાર જેટલી દીવડીઓ વડે આદ્યશક્તિ અંબેમાની મહાઆરતી યોજાઈ હતી. ભક્તોએ આ સમયે હાથમાં દીવો પકડીને માતાજીની મહાઆરતી ઉતારી હતી.
આજે આ હજારો દીવડાઓની રોશનીથી સમગ્ર વરાછા ઉમિયાધામ પટાંગણ ઝગમગી ઉઠ્યું હતું. દીવડાના પ્રકાશથી જાણે કે માતાજીના મંદિર પરિસરમાં તારાઓ ટમટમતા હોય તેવા દૃશ્યો લાગી રહ્યા હતા. ખાસ કરીને મહાઆરતી હોવાથી આજે મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા જેથી તમામ માઈભક્તોએ મહાઆરતીમાં માતાજીને શિશ નમાવી તેમના આશિષ પ્રાપ્ત કર્યા હતા.