- સુરતનું ડાયમંડ બુર્સ તૈયાર
- 21મી નવેમ્બરથી શરૂ થશે કામકાજ
- 17 ડિસેમ્બરે પીએમ મોદી કરશે ઉદ્ધાટન
ડાયમંડ નગરી સુરતની ચમક વધુ ચમકીલી બનવા જઈ રહી છે. હકીકતે સુરતમાં ડાયમંડ બુર્સ બનીને તૈયાર થઈ ગયું છે અને 21મી નવેમ્બરથી તેમાં ઓફિસો શરૂ થશે. હાલ માહિતીની મુજબ 17 ડિસેમ્બરના રોજ તેને પીએમ મોદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવી શકે છે.
આ વખતની નવરાત્રી સુરતના હીરા વ્યાપારીઓ માટે ઘણી જ ખાસ રહેવાની છે. ખાસ કરીને સુરતના હીરા ઉદ્યોગને આ દશેરાએ એક ખાસ ગિફ્ટ મળી છે. કેમ કે ડાયમંડ સિટીની ઓળખ ધરાવતા સુરત માટે અત્યાર સુધીનું સૌથી મહત્વનું સેન્ટર એવું ડાયમંડ બુર્સ હવે બનીને તૈયાર થઈ ગયું છે. આ દશેરાએ 983 જેટલી ઓફિસોમાં ઘડા મૂકવામાં આવશે.
દશેરાએ ઘડા મૂકાશે
વિજયાદશમીના પાવન દિવસે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસોમાં વિધવત ઘડા કુંભ મૂકવામાં આવશે, આ ઉપરાંત 21 નવેમ્બરથી હીરા બુર્સની ઓફિસો ચાલુ થઈ જશે. જેનાથી સુરતના હીરા કારોબારીઓને મોટી રાહત થઈ શકે છે. કેમ કે હીરા
બજારના નેશનલ અને ઈન્ટરનેશનલ સોદાઓ પાડવામાં આ બુર્સ ઘણી જ મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે. તેનાથી સુરતના હીરા ઉદ્યોગને વધુ ગતિશીલ અને વધુ વૈશ્વિક બનાવવામાં મોટી મદદ મળી શકે તેમ છે.
શું છે ડાયમંડ બુર્સ ?
સુરત ડાયમંડ બુર્સ એ હીરા ઉદ્યોગ માટેનું એક ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ હશે. દુનિયાભરમાં જેમ્સ કેપિટલના નામ પ્રસિદ્ધ આ બિલ્ડિંગ ‘વન સ્ટોપ ડેસ્ટિનેશન’ની જેમ રહેશે. અહીં હીરની પોલિશિંગ – કટિંગથી માંડી હીરાના વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ બિલ્ડિંગનું સમગ્ર માળખું નવ લંબચોરસ સ્વરૂપમાં છે. આ તમામ નવ ઈમારતો એકબીજા સાથે જોડાયેલ છે. અહીં 65 હજારથી વધુ વેપારીઓ એકીસાથે વેપાર કરી શકશે.
દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ
દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ધાટન પીએમ નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં કરશે. ગુજરાતના સુરત શહેરમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેનું નામ છે- સુરત ડાયમંડ બુર્સ. અત્યાર સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ અમેરિકાના વર્જિનિયા રાજ્યના આર્લિંગ્ટન શહેરમાં સ્થિત પેન્ટાગોન ગણાતી હતી, જે હવે તેની પાસેથી આ બિરુદ્ધ છિનવાઇ જશે. નોંધનિય છે કે, પેન્ટાગોન એ અમેરિકાના રક્ષા વિભાગની બિલ્ડિંગ છે
કેટલો છે નિર્માર્ણનો ખર્ચ
સુરત ડાયમંડ બુર્સના નિર્માણમાં કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. 35 એકરમાં ફેલાયેલું, 7.1 મિલિયન ચોરસ ફૂટથી વધારે વિસ્તાર અને 15 માળના સુરત ડાયમંડ બોર્સની બિલ્ડિંગ બનાવવા પાછળ કુલ 3000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ડાયમંડ બોર્સના નિર્માણમાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો છે. સુરત ડાયમંડ બુર્સમાં આગામી 21 નવેમ્બર 2023ના રોજથી ડાયમંડ ટ્રેડિંગ શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી17 ડિસેમ્બરે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે.