- નંબર પ્લેટના નવા નિયમના કારણે દશેરાના દિવસે જ નવું વાહન છોડાવી શકાશે નહીં
- ફક્ત અમદાવાદમાં જ 8,000થી વધુ ટુ વ્હીલર અને 2,500 જેટલી કારની ડિલિવરી થશે
- જેમણે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તેવા જ લોકોને દશેરાએ ડિલિવરી મળશે
આ વર્ષે સારા ચોમાસા અને તહેવારોના માહોલના કારણે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીને આ વખતનો દશેરાનો તહેવાર ફળે તેવી પુરેપુરી શક્યતા છે. દશેરાના વણજોયા શુભ મુહૂર્તમાં ટુ વ્હીલર અને કાર છોડાવવા માટે ડિલરોને ત્યાં હાલ પડાપડી જેવી સ્થિતિ છે. ગત વર્ષની સરખામણીએ 15 ટકા વાહનોનું વધુ વેચાણ થવાનો અંદાજ છે. જો કે નંબર પ્લેટના નવા નિયમના કારણે જે લોકો દશેરાના દિવસે જ વાહન ખરીદવા માગતા હશે તો તેમને મળી નહીં શકે. જેમણે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તેવા જ લોકોને દશેરાએ ડિલિવરી મળશે. નંબર પ્લેટનો નવો નિયમ આ દશેરાએ ઘણા લોકોને નડી જશે.
દશેરાના શુભ દિવસે નવું ટુ વ્હીલર કે કાર છોડાવવા માટે ઘણા લોકોએ પહેલેથી પ્રોસેસ પુરી કરી નાખી છે. આ વખતે નંબર પ્લેટના નવા નિયમના કારણે દશેરાના દિવસે ફક્ત ડિલિવરી જ કરવામાં આવશે. નવા વાહનની સેઈમ ડે ડિલિવરી શક્ય બનશે નહીં તેમ જણાવતા ફાડાના પૂર્વ ચેરમેન પ્રણવ શાહે કહ્યું કે આ વર્ષે મોમેન્ટમ સારું છે. વાહનોના વેચાણમાં ગત વર્ષ કરતા 15 ટકા ગ્રોથ જોવા મળે તેમ છે. દશેરાના દિવસે માત્ર અમદાવાદ જિલ્લામાં જ 8,000થી વધુ ટુ વ્હીલરની ડિલિવરી થશે. જ્યારે 2,000 થી 2,500 જેટલી કારની ડિલિવરી કરવામાં આવશે. સમગ્ર રાજ્યની વાત કરવામાં આવે તો દશેરાના દિવસે 35,000 થી 40,000 ટુ વ્હીલર અને 8,000 થી 10,000 કારની ડિલિવરી કરવામાં આવશે.
હવેથી નંબર પ્લેટ વગર કોઈપણ વાહનને વેચી શકાશે નહીં. એપ્લાયડ નંબર પ્લેટના પાટીયા એક પણ વાહનમાં જોવા મળશે નહીં. નંબર પ્લેટ નાખવાની જવાબદારી ડિલરો પર થોપવામાં આવી છે. તેના કારણે ડિલરોનો મરો થઈ રહ્યો છે. કેમ કે નંબર પ્લેટની પ્રક્રિયા પુરી કરવામાં 3 થી 4 દિવસનો સમય લાગે છે. મતલબ જે વ્યક્તિને દશેરાના દિવસે જ નવું વાહન જોઈતું હોય તો તેણે અગાઉથી પૈસા ભરીને પ્રક્રિયા પુરી કરવી પડે તો જ તેને દશેરાએ ડિલિવરી મળે. રોકડા રૂપિયા લઈને નવું ટુ વ્હીલર કે કાર લેવા જનારને દશેરાના દિવસે જ નવું વાહન નહીં મળે, તેણે રાહ જોવી પડશે.
પ્રણવભાઈ જણાવે છે કે આરટીઓનો નવો નિયમ અમલી બનવાના કારણે અમે ગ્રાહકોને દશેરાના દિવસે નવું વાહન આપી શકીએ નહીં. નંબર પ્લેટની પ્રક્રિયા પુરી થાય પછી જ તેને ડિલિવરી આપી શકાશે. આ વર્ષે ચોમાસું સારું ગયું છે, બજારમાં તેજી દેખાઈ રહી છે, તહેવારોનો માહોલ છે તેના કારણે શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સારી માગ નીકળી છે. વળી હવે ટુ અને ફોર વ્હીલરમાં ઉપલબ્ધતા વધી છે. કંપનીઓએ પણ નવા મોડલ લોન્ચ કર્યા છે. તેના કારણે વાહનોનું વેચાણ દશેરાના દિવસે સારું થશે તે નક્કી છે.