- ચેન્નાઈ પોર્ટ પરથી યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં મોકલાતું હતું
- ફેક્ટરીમાં કેટામાઇન, કોકેન સહિતના ડ્રગ્સનું ઉત્પાદન થતું
- 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડની ડ્રગ્સ બનાવવાની સામગ્રી ઝડપાઈ
સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇની ટીમ દ્વારા ઔરંગાબાદ ખાતે એક કંપનીમાં દરોડો પાડીને રો – મટિરિયલ્સ અને ડ્રગ્સનો જથ્થો મળીને કુલ 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેમિકલની કંપનીમાંથી સૌથી મોંઘુ ડ્રગ્સ કેટામાઇન બનાવીને ડ્રગ્સ માફિયા ચેન્નાઇ પોર્ટ પરથી યુરોપ, અમેરિકા સહિત વિદેશોમાં ડિલીવરી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કંપનીનો માલિક મૂળ સુરતનો હોવાનું સામે આવ્યું છે. ડીઆરઆઇની ટીમ દ્વારા તેની ધરપકડ કરીને ઓફિસ, ફેકટરી, ઘર સહિત અલગ અલગ જગ્યાએ દરોડો પાડીને વધુ તપાસ હાથ ધરી છે.
સુરત ઉપરાંત રાજસ્થાન, MPમાં MD ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્રની એક કેમિકલ કંપનીમાંથી આવતો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરીને ઔરંગાબાદની મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ કંપની સુધી પહોંચી હતી, પરંતુ દરોડો પાડતા પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે 21 દિવસમાં 3 વખત કંપનીની આસપાસ અને તેના માલિક પર વૉચ રાખી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ટુરિસ્ટ, છૂટક મજૂરો બનીને કંપની પર વૉચ રાખી રહ્યા હતા. આ દરમ્યાન કેમિકલની કંપનીમાં જ ડ્રગ્સ બનતું હોવાની ચોક્કસ ખાતરી થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક DRIની ટીમને જાણ કરી હતી. તે પછી બન્ને એજન્સીઓએ કેમિકલ કંપની તેમજ કંપનીના માલિક જીતેશ પટેલના ઘરમાં દરોડો પાડીને 23 કિલો કોકેઇન, 7.2 કિલો એમડી ડ્રગ્સ, 4.3 કિલો કોટામાઇન અને 9.3 કિલો એમડી સહિત અન્ય ડ્રગ્સનું રો મટિરિયલ્સનો જથ્થો ઝડપી લીધો હતો. બંને ટીમોએ 3 કારખાના પર ત્રાટકીને કરોડોનું ડ્રગ્સ પકડી પાડયું હતું. આ પકડાયેલા ડ્રગ્સની ઇન્ટરનેશનલ માર્કેટમાં 500 કરોડ કરતા વધુની થાય છે. જેમાં રૂ. 200 કરોડનું નાર્કોટિક ડ્રગ્સ તેમજ રૂ. 300 કરોડની ડ્રગ્સ બનાવવાની સામગ્રી ઝડપી લેવાઈ છે. ડ્રગ્સ માફિયાના ઘરેથી રોકડ 30 લાખ રૂપિયા પણ મળી આવ્યા છે. ડ્રગ્સ માફિયા જીતેશ કેમિકલ્સ કંપની અને દવા બનાવવાના ફેકટરીની આડમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સનો વેપલો કરતો હોવાનું સામે આવ્યું છે. એટલુ જ નહીં, જીતેશ કેમિકલ થકી સૌથી મોંઘુ ડ્રગ્સ કેટામાઇન ફેકટરીમાં બનાવતો હતો. આ ડ્રગ્સનો ઉપયોગ માત્રને માત્ર યુરોપ, અમેરિકા તેમજ વિદેશોમાં થાય છે. આથી આરોપી જીતેશ પટેલ ચેન્નાઇ પોર્ટથી નાના પાર્સલ મારફતે વિદેશોમાં કેટામાઇન ડ્રગ્સ મોકલતો હોવાનું સામે આવ્યું છે.
ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા સાથે જીતેશ પટેલનું કનેક્શન
સુરતનો વતની જીતેશ પટેલ કેમિકલ એન્જિનિયર છે. તેણે ઔરંગાબાદમાં મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામથી કેમિકલની કંપની ચલાવતો હતો. તે શરૂઆતમાં પહેલા ડ્રગ્સ પાર્ટીઓમાં જતો હતો અને ત્યાં ડ્રગ્સ માફિયાઓ સાથે સંપર્ક થયા હતા. બાદમાં જીતેશ પટેલે કંપનીમાં પહેલા એમડી ડ્રગ્સ બનાવ્યુ હતુ. આ બાદ કેટામાઇન ડ્રગ્સ બનાવીને ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચીને અબજો રૂપિયાનો વેપલો કરતો હતો. તે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાની સેન્ડિકેટમાં મેમ્બર પણ હોવાની શંકા છે.
કોકેન કેવી રીતે આવતું અને ક્યાં વેચાતું
કોકેનનું રો મટિરિયલ્સ જીતેશ પટેલ સાઉથ અમેરિકાથી મંગાવતો હતો. બાદમાં તે કંપનીમાં રો મટિરિયલ્સનું પ્રોસેસીંગ કરીને કોકેઇન ડ્રગ્સ બનાવતો હતો. કોકેઇન ડ્રગ્સ પણ મોંઘુ હોવાથી મોટી મોટી રેવ પાર્ટીઓમાં જ ડાયરેક્ટ ડ્રગ્સનો જથ્થો પહોંચાડતો હતો. આ ઉપરાંત, મોટા શહેરમાં ડ્રગ્સ પેડલરોને પણ કોકેઇનનો જથ્થો નાના મોટા પ્રમાણમાં આપતો હોવાનું સામે આવ્યું છે.
પૂર્વ કોંગી MLAનો પુત્ર પણ ડ્રગ્સ કેસમાં ઝડપાયો હતો
સમીના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર કિશોરસિંહ રાઠોડની પણ ભૂતકાળમાં ડ્રગ્સના મામલે ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. તે સમયે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાંથી અંદાજીત 270 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. આ ડ્રગ્સ કેસની તપાસમાં મુંબઇ અને ઔરંગાબાદમાં કિશોરસિંહ રાઠોડના ડ્રગ્સ બનાવતો હોવાનું સામે આવ્યુ હતુ અને ત્યાંથી કિશોરસિંહની બીજી ડ્રગ્સ ફેકટરી પકડાઇ હતી. જો કે, કિશોરસિંહ રાઠોડને આ ડ્રગ્સ કેસમાં સજા પણ થઇ હતી.