- ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ, ક્રૂઝના સ્ટાફે સમયસૂચકતા વાપરી જીવ બચાવ્યો
- આયેશા આપઘાત કેસની જેમ જ આપવીતીનો વીડિયો બનાવી પતિને મોકલ્યો હતો
- યુવતીએ વીડિયોમાં તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા
દાણીલીમડામાં રહેતી પરિણીતાએ ઊંઘની ગોળીઓ ખાઇને વીડિયો બનાવી શુક્રવારે સાંજ પાલડી રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે સમયે રિવરફ્રન્ટ પર પાર્ક કરેલ ક્રૂઝના સ્ટાફે પરિણીતાને જોતા સમય સૂચકતા વાપરીને તેને બચાવી લીધી હતી. યુવતીએ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધો અને સાસરિયાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનો વીડિયો બનાવી પતિને મોકલ્યો હતો. આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, અઢી વર્ષ પહેલાં આયેશા નામની યુવતીએ પણ વીડિયો બનાવી આપઘાત કર્યો હતો.
પાલડી રિવરફ્રન્ટ પરથી શુક્રવારે સાંજે 28 વર્ષીય યુવતીએ અચાનક સાબરમતીમાં નદીમાં ઝંપલાવી દીધું હતું. જોકે રિવરફ્રન્ટ પર હાજર ક્રૂઝના સ્ટાફે સમય સૂચકતા વાપરીને યુવતીને બહાર કાઢી લીધી હતી. યુવતીની પૂછપરછ કરતા તેનું નામ શહેમીના અને તેનું પિયર જુહાપુરા અને સાસરી દાણીલીમડામાં હોવાનું જાણવા મળ્યું હતું. તેણે આ પગલું ભરતા પહેલા તેણે એક વિડીયો બનાવીને તેના પતિ ફારુક અંસારીને મોકલ્યો હતો. તે પછી આ વિડીયો અંગે તેની માતા યાસ્મીનબાનુંને પણ જાણ થઇ હતી.
લફરાબાજ પતિ અન્ય યુવકો સાથે સંબંધ બાંધવા દબાણ કરતો હોવાનો આક્ષેપ
યુવતીએ વીડિયોમાં તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. જેમાં તેના સંબધો અન્ય યુવતીઓ સાથે હતા. એટલું જ નહીં તે શહેમીનાના વીડિયો બનાવીને તેને બદનામ કરવાની ધમકી આપીને અન્ય યુવકો સાથે સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો આરોપ મૂક્યો હતો. આ બાબતે તેણે તેની સાસરીમાં વાત કરી ત્યારે તેને તલાક લઇને અલગ થઈ જવા માટેનું કહી દેવાયું હતું. જેથી પતિના અને સાસરિયાના ત્રાસથી કંટાળીને નદીમાં ઝંપલાવ્યું હતું. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.