- અમદાવાદમાં ફાફડા પ્રતિકીલોએ 650 થી 800 થયા
- શુદ્ધ ઘીની જલેબીના પ્રતિકીલોના ભાવ 800 થી 1200
- છેલ્લા દિવસોમાં ચેકિંગ કરતો આરોગ્ય વિભાગ
દશેરાના એક દિવસ પહેલા સ્વાદના રસિયા ફરસાણની દુકાને પહોંચ્યા છે. જેમાં આ વર્ષે દશેરાના પર્વ પર ફાફડા જલેબી મોંઘા થયા છે. અમદાવાદમાં ફાફડા પ્રતિકિલોએ 650 થી 800 થયા છે. જે પહેલા ફાફડાના ભાવ રૂ. 400 સુધી જ હતા જ્યારે જલેબીના ભાવમાં પણ બમણો સાથે 1200 સુધી પહોંચ્યો છે.
24 ઓક્ટોબરના દશેરા પહેલાં જ ઠેર-ઠેર જલેબી અને ફાફડાના સ્ટોલ લાગવાનું શરૂ થયા છે. ત્યારે શુદ્ધ ઘીની જલેબીના પ્રતિકીલોના ભાવ 800 થી 1200 સુધી પહોંચ્યા છે. નોંધનીય છેકે, અગાઉ શુદ્ધ ઘીની જલેબીના પહેલા 600 રૂ.હતા. જ્યારે તેલની જલેબીના 400 જે પહેલા રૂ. 200 પર હતો. તેમજ કેસર જલેબીના 500 થી 900 પહોંચ્યો છે જેપહેલા કેસર જલેબીના 300 હતા.
રાજ્યભરમાં નવરાત્રીની ઉજવણીનો અંત દશેરા સાથે થઈ રહ્યો છે. ત્યારે દશેરાએ રાજ્યભરમાં હજારો કિલો જલેબી-ફાફડાનું વેચાણ થશે. એકલા અમદાવાદમાં જ આશરે 15 હજાર કિલો જલેબી-ફાફડાના વેચાણનો અંદાજ છે. અમદાવાદમાં ફાફડાના પ્રતિકિલો રૂ.500થી 950 સુધીના ભાવ બોલાઈ રહ્યા છે. જ્યારે જલેબી પ્રતિકિલો રૂ.650થી 1200 સુધીના ભાવે પહોંચી રહ્યા છે.
નવલાં નોરતાંની સાથે જ દશેરાની વહેલી સવારથી લોકો ફાફડા અને જલેબીના કોમ્બિનેશન સાથે ઉજવણી કરશે. નાના-મોટા સૌ મોડી રાત સુધી જાગી લેવાનું અને ત્યારબાદ ફાફડા-જલેબીની જ્યાફત માણી લેવાની તૈયારી કરી ચૂક્યા છે. આથી ગરબા રમ્યા બાદ આજે નાસ્તાની જ્યાફત માણવા અધધ ઓર્ડર બુક થઈ ચૂક્યા છે.
આ તરફ દશેરાના આગલા દિવસે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. દશેરાના તહેવારને ધ્યાનમાં મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે. જેનો રિપોર્ટ દશેરાનો તહેવાર પૂરો થયા બાદ આવશે. એટલે કે લોકો ફાફડા જલેબી આરોગી જશે બાદમાં રિપોર્ટ આવશે.