- સપ્તાહના પ્રારંભે જ સેન્સેક્સ 826 પોઈન્ટ તૂટી 64,572
- નિફ્ટી 261 પોઈન્ટ તૂટી 19,300ની અંદર પહોંચ્યો
- નોરતામાં ગુજરાતના રોકાણકારોએ રૂ. 1.65 લાખ કરોડ ગુમાવ્યા
નવરાત્રી દરમિયાન ભારતીય શેર માર્કેટ ઉપર માતાજી રૂઠયા હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે સેન્સેક્સમાં 826 પોઈન્ટનો કડાકો બોલી જતા તે 64,572ની સપાટીએ બંધ આવ્યો હતો જ્યારે નિફ્ટી 261 પોઈન્ટ તૂટી 19,300ની અંદર પહોંચ્યો હતો. નોરતામાં ટ્રેડીંગ સેશન દરમિયાન સ્ટોક માર્કેટ મોટાભાગે મંદીમાં જ રહ્યું છે અને જેના કારણે બીજા નોરતાથી નવમા નોરતા વચ્ચે BSE સેન્સેક્સમાં 1666 પોઈન્ટનો કડાકો બોલી ગયો છે જયારે NSE નિફ્ટીમાં 455 પોઈન્ટની નરમી જોવા મળી છે.
નવરાત્રીમાં માર્કેટ કેપિટલાઈઝેશનની વાત કરીએ તો 16 ઓક્ટોબરે માર્કેટ કેપ રૂ. 322.25 લાખ કરોડ હતું જે 23 ઓક્ટોબરે રૂ. 311.30 લાખ કરોડ દેશના રોકાણકારોએ અંદાજે રૂ. 10.95 લાખ કરોડ ગુમાવ્યા છે. તેવી જ રીતે ગુજરાતના રોકાણકારોએ નવરાત્રીમાં રૂ. 1.65 લાખ કરોડ ગુમાવ્યા હોવાનો અંદાજ બજાર નિષ્ણાતો મૂકે છે. જીઓજિત ફઈનાન્શિયલના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, ખાનગી બેંકોના સારા પ્રદર્શન અને ક્રૂડ તેલના ભાવમાં નજીવા ઘટાડા છતાં, રોકાણકારોનો વિશ્વાસ નિરાશાવાદી રહ્યો હતો. ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે અશાંતિ વધુ ઘેરી થવાની સંભાવના છે. ઊંચા વ્યાજ દરો અને એનર્જીના ઊંચા ભાવને કારણે વૃદ્ધિ દર ધીમો પડયો છે. આ બધી ચિંતાઓ વચ્ચે, મિડ-અને સ્મોલ-કેપ સ્પેસ, બેંકો, મેટલ્સ અને એનર્જી શેરોમાં જોખમથી દૂર રહેવાની સંભાવના જોવા મળી હતી.
ચાલુ સપ્તાહ દરમિયાન રિલાયન્સ સહિતની ટોચની કંપનીઓના પરિણામો આવવાના છે. આ પરિણામો પછી માર્કેટમાં સુધારો થાય એવી શક્યતા જોવાઈ રહી છે. જો કે ગાઝા યુદ્ધ પર પણ ઘણો આધાર રહેલો છે.
ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે સારી તક
ઇઝરાયેલની લડાઈ બાદથી જ ગ્લોબલ માર્કેટ અસ્થિર બન્યા છે. તેની પાછળ ભારતીય શેર બજારોમાં ખાસ કરીને મિડકેપ, સ્મોલ કેપ અને અને સેક્ટરમાં મંદી આવી છે. નવરાત્રી દરમિયાન ફેરેન ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ (FII) નેટ સેલર રહ્યા છે. જોકે તેની સામે ડોમેસ્ટિક ઇન્સ્ટિટયૂશનલ ઇન્વેસ્ટર્સ (DII) નેટ બાયર રહ્યા હોવાથી બજારને સારો ટેકો મળી ગયો હતો. માર્કેટ ખરાબ છે પણ જે લોકો નવું રોકાણ કરવા ધારે છે તેમના માટે આ સારી તક છે.
US બોન્ડ યિલ્ડે ટેન્શન વધાર્યું
US બોન્ડ યિલ્ડમાં સતત વધારો થઇ રહ્યો છે અને તે વર્ષ 2007ના સ્તરે પહોચી ગયું છે. આના કારણે ભારત સહિતના ઈમર્જીંગ માર્કેટમાંથી FII પોતાનું રોકાણ પાછું ખેચી રહ્યું છે. અમેરિકન બોન્ડ યિલ્ડ 5%ના લેવલે આવી ગયું છે એટલે રોકાણકારો તેના તરફ્ વળ્યા છે. આવનારા દિવસોમાં પણ FII માર્કેટમાંથી રૂપિયા પૂલ કરી શકે છે. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ રૂ. 13,150 કરોડનો માલ વેચ્યો છે.
રોકાણકારોની સાવચેતી જરૂરી
નિફ્ટીએ તેની 50-ડે મૂવિંગ એવરેજને તોડી છે. બજારમાં ટેકનિકલ મુશ્કેલીઓ પણ ઘણી છે. આવતા દિવસોમાં નિફ્ટીમાં તેજી કરવામાં નિષ્ફ્ળ જાય તો બજાર ડાઉનટ્રેન્ડમાં ફરવાઈ શકે છે. દબાણ વચ્ચે રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે. ફ્ંડામેન્ટલી અને ટેક્નિકલી સ્ટોક મજબૂત ન હોય તો તેને પોર્ટફેલિયોમાં ઉમેરશો નહિ. હાલના સ્તરે 20-25% નફે મળતો હોય તો સત્વરે પ્રોફ્ટિ બુકિંગ કરવાની સલાહ આપવામાં આવે છે.