- સળંગ બે-ત્રણ દિવસની રજામાં ગુજરાતીઓ નજીકના સ્થળોએ ફરવા ઉપડી જાય છે
- લોંગ વીકએન્ડમાં સેલ્ફ ડ્રાઈવ કરી નજીકના સ્થળોએ ફરવા જવાનો ટ્રેન્ડ વધ્યો
- વિકએન્ડ મિનિ વેકેશન પર ખર્ચ કરવાનું પ્રમાણ પણ 10-20% જેટલું વધ્યું
લોંગ વિકએન્ડ અથવા સળંગ 2-4 દિવસની રજાઓ આવતી હોય તેવા દિવસોમાં લોકોમાં નજીકના સ્થળોએ સેલ્ફ ડ્રાઇવ કરીને ફરવા જવાનો ટ્રેન્ડ વધ્યો છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને મંગળવારે દશેરાની રજા છે ત્યારે ગુજરાતના ઘણા લોકો શનિવારથી મંગળવારની રજાનો પ્લાન કરીને ફરવા ઉપડી ગયા છે. ટુરિઝમ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે કોરોના બાદથી ગુજરાતીઓમાં લોંગ વીકએન્ડમાં ફરવા જવાનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત ટૂર ઓપરેટર્સના જણાવ્યા પ્રમાણે, વિકએન્ડ મિનિ વેકેશન પર ખર્ચ કરવાનું પ્રમાણ પણ 10-20% જેટલું વધ્યું છે.
ટૂર ઓપરેટર્સના કહેવા મુજબ ગુજરાતના લોકો અને ખાસ કરીને અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં રહેતા લોકો પરિવાર સાથે ગુજરાતના અને આસપાસના રાજ્યોના ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર ફરવા જાય છે. કોરોનાના પહેલા સપ્તાહના અંતે આવતી રજાઓમાં સવારથી સાંજ ફરવા જવાનું પસંદ કરતા હતા પણ હવે નાઇટ સ્ટે અને 2 દિવસથી વધુ રોકાવાય તે રીતે ફરવા જાય છે. કોરોના બાદ આ રીતે મિનિ વેકેશન પર જવાનું પ્રમાણ બમણું થયું છે. લોકો માઉન્ટ આબુ, દ્વારકા, સોમનાથ, ગીર, પાલિતાણા, દીવ, સિલવાસા, જાંબુઘોડા, કચ્છ, સાપુતારા, લોનાવાલા, માથેરાન વગેરે સ્થળોએ પરિવાર સાથે ફરવા જવાનું વધુ પસંદ કરે છે. એક અગ્રણી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કંપનીના પ્રેસિડેન્ટ અને કન્ટ્રી હેડે જણાવ્યું કે, મંગળવારના રોજ દશેરા આવતા હોવાથી, ગુજરાતના ગ્રાહકો કામનો બોજ હળવો કરવા અને રિફ્રેશમેન્ટ માટે સોમવારે રજા લઈ 4 દિવસના મિનિ વેકેશન પર જઈ રહ્યા છે. આ વર્ષે અગાઉના તહેવારોના લોંગ વિકએન્ડ હોલીડેની સરખામણીમાં ગુજરાતમાંથી ત્રણ ગણી માગ વધી છે. આ વખતે પ્રાઇવેટ વિલા, કોલોનિયલ બંગલો, હેરિટેજ હોમ્સ, ટ્રીહાઉસીસમાં રોકાણોની ઘણી સારી માગ છે. આ રીતે ફરવા જવામાં ગુજરાતી ગ્રાહકો પ્રી-પેન્ડેમિક લેવલની સરખામણીમાં 10-20% વધુ ખર્ચ કરી રહ્યા છે.
અન્ય એક ટ્રાવેલ્સ કંપનીના વડાએ જણાવ્યું કે, ગુજરાતીઓમાં લોંગ વિકએન્ડમાં પોતાના હોમ ટાઉનથી નજીકના સ્થળોએ જવાનું પ્રમાણ વધુ છે. કોરોના બાદથી લોંગ વિકએન્ડમાં જનારાઓની સંખ્યા ઘણી વધી છે. સેલ્ફ્ ડ્રાઇવ કરીને જઈ શકાય તેવા સ્થળોએ લોકો વધુ જઈ રહ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં રહેતા લોકો સોમનાથ, દ્વારકા, દીવ, સાસણ ગીર, પાલિતાણા, જૂનાગઢ, કચ્છ, હિંગોળગઢ, કુંભલગઢ, હાથણી માતા વોટર ફોલ, સાપુતારા જેવા સ્થળોએ લોકો ફરવા જઈ રહ્યા છે.