- અમદાવાદમાં બની અપહરણની ઘટના
- વકીલને અપહરણકારો ઉઠાવીને લઈ ગયા
- જમીનની લે-વેચ કરતા વકીલ સાથે બની ઘટના
અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. દિવસે દિવસે આ તત્વોની હિંમત વધુને વધુ ખુલી રહી છે. આ વખતે નરોડામાંથી જમીનની લે-વેચ કરતા એક વકીલના અપહરણની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં અપહરણકારોએ વકીલને કિડનેપ કરી તેને ઢોર માર મારી સિવિલ પાસે ઉતારી ફરાર થઈ ગયાની ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં નરોડા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ છે જેના અનુસાર આ જ વિસ્તારમાં જમીનની લે-વેચ કરતા એક વકીલને 4 જેટલા લોકો બળજબરી અપહરણ કરી લઈ ગયા હતા. આ દરમિયાન માહિતી પ્રમાણે વકીલને અપહરણકારોએ જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વકીલને ઈન્જેક્શન મારી તેને ઢોર માર માર્યો હોવાનો પણ દાવો કરાયો છે, જેમાં તેના પર તલવારથી હુમલો કરાયો હતો. આ વકીલને પછી ઘવાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ઉતારી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે નરોડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે.
નોંધનીય છે કે હાલના સમયમાં અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં ઘણો જ ઉછાળો આવ્યો છે. શહેરની પ્રગતિ દિવસે બેગણી અને રાત્રે ચાર ગણી થતી હોય એ રીતે અમદાવાદના વિકાસને છેલ્લા કેટલાક વર્ષોથી તેજીની સર્કિટ લાગી છે. જેના કારણે પહેલા શહેરની હદની અંદરની જમીનો અને પ્રોપર્ટીના ભાવ ખૂબ જ ઝડપથી વધ્યા હતા, અને હવે શહેરની અંદરનો ભાગ ગીચ બનતો જણાતા અને શહેરની વિસ્તૃતીકરણની ઝડપ વધતા અમદાવાદની આસપાસના ઔડા અને મનપાની હદના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ સારી રીતે વિકસી છે જેથી લોકો પણ હવે આ વિસ્તારોમાં રહેવાનું અને ઈન્વેસ્ટમેન્ટ કરવાનું પ્રિફર કરી રહ્યા છે એટલે આ વિસ્તારોમાં પણ તેજીનો માહોલ છે. આ માહોલમાં જમીનોના ભાવ વધતા હાલના દિવસોમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં જમીન-પ્લોટની બાબતમાં મનદુ:ખ થતા ક્રાઈમની ઘટનાઓ બનવા પામી હોય. આવી જ આ ઘટના નરોડા વિસ્તારની છે. જેમાં વકીલનું અપહરણ કરવામાં આવ્યું છે.
આ ઘટના બાબતે નરોડા પોલીસ ચોકીમાં વકીલ અનિલ રાજપૂત દ્વારા અજય પરિહાર સહિત 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે પણ અરજી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વધુની તપાસ હાથ ધરી છે. આ મામલે હવે વધુ જાણકારી પોલીસ તપાસ પૂર્ણ થયે જ સામે આવી શકે તેવી શક્યતા છે.